ગોંડલમાં સ્ટોન કિલીંગ: ધોરાજીના ટ્રક ડ્રાઇવરની પથ્થરના ઘા મારી હત્યા

ટ્રકની કેબીનમાં ડખ્ખો થયો’તો: સીસીટીવી કેમેરા અને મૃતકના મોબાઇલ ફોનને કેન્દ્રમાં રાખી તપાસ
ગોંડલ, તા. 11: ગોંડલમાં સ્ટોન કિલીંગની ઘટના બની હતી. નવા માર્કેટ યાર્ડ સામે મૂળ લિયાદના વતની અને હાલ ધોરાજીમાં રહેતાં 40 વર્ષના ટ્રક ડ્રાઇવર સુરેશ સવજીભાઇ સુરેલાની પથ્થરના ઘા મારીને હત્યા કરાઇ હતી.
ટ્રાફિકથી સતત ધમધમતા નવા માર્કેટ યાર્ડ સામે ટ્રકસના પાર્કિંગ પાસે એક યુવાનની લોહીથી ખરડાયેલી લાશ પડી હોવાની જાણ થતાં  પીઆઇ કે.એન. રામાનુજ અને તેના સ્ટાફના હરૂભા જાડેજા સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચી ગયો હતો. ઘટના સ્થળે એક યુવાનની લાશ પડી હતી અને તેના માથામાં પથ્થરના ઘા ઝીંકાયાનું જણાયું હતું અને લાશ પાસેથી લોહીના ડાઘવાળા બે મોટા અને એક નાનો પથ્થર મળી આવ્યા હતા. ટ્રકની કેબીનમાંથી  પણ એક લોહીના ડાઘવાળો પથ્થર મળી આવ્યો હતો. તેના કારણે ટ્રકની કેબીનમાં માથાકૂટ થયા અને એ યુવાનની પથ્થરના ઘા મારીને હત્યા કરાયાનું અનુમાન કરાયું હતું.પોલીસે મૃતદેહને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મૃતક કોઇ ટ્રકનો ચાલક કે કલીનર હોવાનું જણાતા એ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન મૃતક યુવાનનું નામ સુરેશ સવજીભાઇ સુરેલા હોવાનું અને તે મૂળ લિયાદનો વતની અને હાલ ધોરાજીમાં રહેતો હોવાનું ખુલ્યું હતું. આ ઉપરાંત એવી વિગત બહાર આવી હતી કે, મૃતક યુવાન ગઇરાતના ટ્રકમાં કપાસનો જથ્થો ભરીને આવ્યો હતો અને રઘુવીર જીનીંગમાં કપાસનો જથ્થો ઉતાર્યો હતો. બાદમાં તે ટ્રક લઇને નવા માર્કેટ યાર્ડ પાસે આવ્યો હતો. ત્યાંથી કોઇ ભાડુ મળે તે આશયથી તે રાત ત્યાં રોકાયો હતો. રાતના સમયે કોઇ કારણોસર  કોઇ અજાણ્યા શખસે તેના માથા પર પથ્થરના ઘા મારીને ખૂન કયું હતું. મૃતક યુવાન પરિણીત હતો. ધોરાજીમાં સરદાર ચોકમાં રહેતાં ટ્રક માલિક મનોજભાઇ ગોરધનભાઇ સોજીત્રાના જણાવ્યા પ્રમાણે તે તમામ વેપાર અને વ્યવહાર ઓનલાઇન જ કરે છે તેથી  ડ્રાઇવર હસ્તક કોઇ રોકડ નાણાનો વહીવટ કરવામાં આવતો નથી તેથી લૂંટના ઇરાદે હત્યા કરાયાનું જણાતું નથી. તેની ફરિયાદ પરથી અજાણ્યા શખસ સામે ખૂનનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ સ્ટોન કિલીંગનો ભેદ ઉકેલવા માટે પોલીસે સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવી તથા મૃતકના મોબાઇલ ફોનને કેન્દ્રમાં રાખીને તપાસ આગળ વધારી છે. ટ્રક ડ્રાઇવર સાથે કલીનર હતો કે કેમ? મૃતકને કોઇની સાથે અંગત દુશ્મનાવટ હતી કે કેમ? કેબીનમાં બેસીને કોઇ અનૈતિક કૃત્ય કરાતું હતું કે કેમ? કેબીનમાં ડખ્ખો થયો ત્યારે ત્યાં અન્ય કોણ સાથે હતું? તેના સહિતની બાબતે તપાસ ચાલી રહી છે.
રાજકોટમાં 3 વર્ષ પહેલા સ્ટોન કિલીંગની ત્રણ ઘટના બની’તી
રાજકોટ શહેરમાં ત્રણ વર્ષ પહેલા 2016ની સાલમાં સ્ટોન કલીંગની ત્રણ ઘટના બની હતી. એક પછી એક સમયાંતરે બનેલી આ સ્ટોન કલીંગની ઘટનાઓનો ભેદ ઉકેલવા પોલીસે કમર કસી હતી અને હિતેષ રામાવત નામના શખસને જામનગરમાંથી ઝડપી લીધો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer