મોરબીમાં ધોળા દી’એ આઠ લાખ રોકડની લૂંટ

જિલ્લા પોલીસ વડાની કચેરી પાસેની ઘટના: બિલ્ડરની ઓફિસના મેનેજરને બંધક બનાવીને ત્રણ શખસ લૂંટ કરી ગયા: જાણભેદુની શંકા
 સુરેશ ગોસ્વામી
મોરબી, તા. 11: મોરબી શહેરમાં ધોળા દિવસે રૂ. આઠ લાખની રોકડ રકમની ઘટના બની હતી. જિલ્લા પોલીસ વડાની કચેરી પાસે બનેલા બનાવમાં બિલ્ડરની ઓફિસના મેનેજરને બંધક બનાવીને ત્રણ શખસ લૂંટ કરીને નાસી ગયા હતાં. સીસીટીવી કેમેરામાં કેદ થયેલા લુટારૂઓને ઝડપી લેવા નાકાબંધી કરાવવામાં આવી છે. લૂંટમાં કોઇ જાણભેદુ સંડોવાયાની શંકા વ્યકત કરાઇ છે.
સામાકાંઠે વેજીટેબલ રોડ પર જિલ્લા પોલીસ વડાની કચેરીથી થોડેદૂર ઉમા ટાઉનશીપના વિનાયક એપાર્ટમેન્ટમાં પહેલા માળે આવેલ વૈભવ અને રોયલ હાઇટસ નામની બિલ્ડરની ઓફિસમાં જનકલ્યાણ સોસાયટી-2માં રહેતા અને મેનેજર તરીકે નોકરી કરતાં 62 વર્ષના શૈલેષભાઇ શાંતિલાલભાઇ મણિયાર બપોરના સાડા બારેક વાગ્યાના સુમારે ઓફિસમાં બેઠા હતાં ત્યારે એક શખસ આવ્યો હતો. આ શખસે મકાન ભાડે મળી શકે તેવી વાત કરી હતી. શૈલેષભાઇએ મકાન વેચવાનું કામ કરીએ છીએ, ભાડે આપવાનું નહી તેવી વાત કરી હતી. આ વાતચીત ચાલતી હતી ત્યાં અન્ય બે શખસ ઓફિસમાં આવ્યા હતાં અને શૈલેષભાઇ કાંઇ સમજે તે પહેલા તેના મોઢા પર સેલો ટેપ મારી દીધી હતી. બાદમાં તેના હાથ પગ બાંધીને  ઓફિસના બાથરૂમમાં પુરી દઇને એ ત્રણેય શખસ ટેબલના ખાનામાંથી રૂ. આઠ લાખની રોકડ રકમ ઉઠાવીને નાસી ગયા હતાં. બાથરૂમમાં પુરી દેવાયેલા મેનેજર શૈલેષભાઇએ યેનકેન પ્રકારે હાથ છોડાવીને મોઢા પરથી સેલો ટેપ દૂર કરી હતી.બાદમાં ખિસ્સામાં રહેલા મોબાઇલ ફોનથી સંબંધી જાણ કરી હતી. ઓફિસ પર દોડી આવેલા સંબંધીએ તેને બાથરૂમમાંથી બહાર કાઢ્યા હતાં. એ પછી પોલીસને રૂ. આઠ લાખની લૂંટની જાણ કરવામાં આવી હતી.
ધોળા દિવસે ખરા બપોરે રૂ. આઠ લાખની લૂંટ થયાની જાણ થતાં ડીવાયએસપી બન્નો જોશી, એલસીબી, એસઓજી સહિતનો પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચી ગયો હતો. લૂંટ કરીને નાસી ગયેલા ત્રણ શખસની ભાળ મેળવવા માટે સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરાયા હતાં. તેમાં ત્રણ શખસ કેદ થઇ ગયા હતાં. લુટારૂઓને ઝડપી લેવા માટે જિલ્લા ભરમાં નાકાબંધી કરાવવામાં આવી હતી. લૂંટમાં કોઇ જાણભેદુ સંડોવાયાની શંકાના આધારે એ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.ઓફિસમાં રૂ. આઠ લાખ જેવી રોકડ રકમ હોવાનું કોણ કોણ જાણતુ હતુ તેના સહિતની બાબતે તપાસ ચાલી રહી છે. ઉમા ટાઉનશીપના ચોકીદારોની પુછપરછ શરૂ કરવામાં આવી છે.મોરબી શહેર અને જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળતી જતી હોય તેવી સ્થિતિ સર્જાય છે. અગાઉ શહેરમાં ગોળીબારની ઘટનાઓ બની છે. સીરામીકના ઉદ્યોગપતિઓને હનીટ્રેપમાં ફસાવીને પૈસા પડાવવા અંગેના ગુનાઓ પણ નોંધાયા છે.હુમલા અને  ચોરીના નાનામોટા બનાવો બનતા રહે છે ત્યારે જિલ્લા પોલીસ વડા, એલસીબી, એસઓજી સહિતની કચેરી પાસે રૂ. આઠ લાખની લૂંટની ઘટના બની છે તે ઘણું કહી જાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer