શાહ જ રહેશે ભાજપના અધ્યક્ષપદે

શાહ જ રહેશે ભાજપના અધ્યક્ષપદે
ટોચના સૂત્રોનો દાવો : પક્ષ આગામી ચૂંટણીઓને ધ્યાને લઈ જોખમ નહીં લે
નવી દિલ્હી, તા. 11 : લોકસભાથી લઈને વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે ઈલેક્શન વિનિંગ મશીન બનેલા અમિત શાહ ગૃહમંત્રી સાથેસાથે પક્ષના અધ્યક્ષપદે પણ જળવાઈ રહી શકે છે. આગામી હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ અને દિલ્હીની વિધાનસભા ચૂંટણીથી પહેલાં ભાજપ અધ્યક્ષની ખુરશીને લઈને પક્ષ કોઈપણ પ્રકારનું જોખમ લેવાના મૂડમાં નથી.
અમિત શાહના રાષ્ટ્રીય અધ્યક્ષની ખુરશી પર બેસવા બાદ સંગઠનમાં ઊભા થયેલા જોશ અને પરિણામોથી જળવાયેલા ઉત્સાહને ભાજપ જાળવી રાખવા માગે છે.
ભાજપના વિશ્વસનીય સૂત્રોએ એક ખાનગી ચેનલને જણાવ્યું હતું કે, આજના સમયમાં અમિત શાહમાં એ ક્ષમતા છે કે તે અતિવ્યસ્ત ગૃહમંત્રાલયની સાથે 11 કરોડ સભ્યોવાળા દેશના સૌથી મોટા પક્ષને એકસાથે ચલાવી શકે છે. નવા અધ્યક્ષ કોણ બનશે ? એવા રાષ્ટ્રીય સ્તરે એક કદાવર પદાધિકારીને પ્રશ્ન પૂછતાં તેઓ પ્રશ્ન પર મંદ હાસ્ય કરે છે અને કહે છે કે, ‘ચર્ચા જે થાય છે ત્યાં સુધી મને માહિતી છે કે ‘અધ્યક્ષજી’ હજુ પદ પર જળવાયેલા રહેશે. એ બધું તેમના પર નિર્ભર છે.’
ભાજપમાં ‘એક વ્યક્તિ એક હોદ્દો’ સિદ્ધાંત લાગુ પડવાની વાત કરાય છે પણ પક્ષના સપ્ટેમ્બર-2012માં સંશોધન બાદ તૈયાર થયેલા નવા બંધારણમાં તેનો કોઈ લેખિતમાં ઉલ્લેખ નથી મળતો.’

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer