યોગી વિરુધ્ધ ટિપ્પણી કરનાર પત્રકારની તત્કાળ મુક્તિનો આદેશ

યોગી વિરુધ્ધ ટિપ્પણી કરનાર પત્રકારની તત્કાળ મુક્તિનો આદેશ
યુપી સરકારને યાદ અપાવી અભિવ્યક્તિની આઝાદી
નવી દિલ્હી, તા. 11 : સુપ્રીમ કોર્ટે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા અને વીડિયો શેર કરવા બદલ ધરપકડ કરાયેલા પત્રકાર પ્રશાંત કનૌજિયાને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ કર્યો છે. આ મામલાની સુનાવણી દરમ્યાન સર્વોચ્ચ અદાલતે યુપી પોલીસની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે કઈ કલમો હેઠળ પત્રકારની ધરપકડ કરાઈ છે? અદાલતે યુપી સરકારને અભિવ્યક્તિની આઝાદીની યાદ પણ અપાવી હતી અને જણાવ્યું હતું કે કનૌજિયાને તત્કાળ છોડવામાં આવે. જો કે, તેના પર કેસ ચાલતો રહેશે.
અદાલતે જણાવ્યું હતું કે કનૌજિયાએ જે શેર કર્યું એ અંગે એમ કહી શકાય કે તેમણે આમ કરવાની જરૂર નહોતી પણ તેની ધરપકડ ક્યા આધારે કરવામાં આવી? માત્ર એક ટ્વિટ માટે કોઈને ધરપકડ કરવાની શી જરૂર હતી?
કોર્ટે યુપી સરકારને અભિવ્યક્તિની આઝાદીની યાદ અપાવી હતી અને કહ્યું હતું કે તેણે ઉદારતા બતાવીને ફ્રીલાન્સ પત્રકારને મુક્ત કરી દેવાની જરૂર હતી. લોકોની આઝાદી અખંડ છે તેની સાથે કોઈ સમજૂતી કરી શકાય નહીં. આ બંધારણે આપેલો અધિકાર છે અને તેનું કોઈ ઉલ્લંઘન કરી શકે નહીં.  પ્રશાંતની પત્ની જગીશા અરોડાએ સુપ્રીમનો દરવાજો ખટખટાવ્યો હતો અને કહ્યું હતું કે પત્રકાર પર લગાવાયેલી કલમો જામીન અપરાધમાં આવે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer