પાક. સામે ઓસિ.નું લક્ષ્ય વિજયક્રમ પર વાપસી

પાક. સામે ઓસિ.નું લક્ષ્ય વિજયક્રમ પર વાપસી
ઇંગ્લેન્ડને પરાજીત કરનાર પાક. કાંગારૂને આંચકો આપવા ઉત્સુક
ટોનટન, તા.11: યજમાન ઇંગ્લેન્ડને હરાવીને ઉલટફેર કરનારી પાકિસ્તાનની ટીમ બુધવારે વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ મેદાને પડશે ત્યારે તેનો ઇરાદો વર્તમાન વિજેતાને હાર આપી જીતનો ક્રમ જાળવી રાખવાનો રહેશે. બીજી તરફ પહેલા બે મેચમાં અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇન્ડિઝ સામે જીત મેળવનાર ઓસ્ટ્રેલિયાની ટીમને આખરી મેચમાં ભારત સામે હાર મળી હતી. આથી તેનું લક્ષ્ય પાક.ને હાર આપીને વિજય ક્રમ પર વાપસીનું રહેશે. પાક.નો આખરી મેચ વરસાદમાં ધોવાય ગયો હતો. આથી તેને અને શ્રીલંકાને 1-1 પોઇન્ટ મળ્યા હતા.
પાકિસ્તાનનું વિશ્વ કપ અભિયાન ખરાબ રીતે શરૂ થયું હતું. પહેલા મેચમાં વેસ્ટ ઇન્ડિઝની કાતિલ બોલિંગ સામે 10પ રનમાં ખખડી ગયું હતું. આ પછી બીજા મેચમાં હોટ ફેવરિટ ઇંગ્લેન્ડ સામેના મેચમાં મોટા જુમલાવાળા મેચમાં 14 રને જીત મેળવી હતી. જયારે ત્રીજો મેચ શ્રીલંકા સામે વરસાદમાં ધોવાયો હતો.
જો કે પાક. ટીમ ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ પાછલા 14 મુકાબલામાંથી ફકત એક જ જીત મેળવી શકી છે. આ સામે પાક. સુકાની સરફરાઝ અહમદ કહે છે કે અમે ઇંગ્લેન્ડ સામે પણ વધુ મેચ જીત્યા ન હતા, છતાં તેની સામેની વિશ્વ કપની જીતથી ખેલાડીઓમાં જુસ્સો છે. આથી અમને સકારાત્મક ફાયદો મળી શકે છે. અમે ઓસ્ટ્રેલિયા સામે આક્રમક ક્રિકેટ રમવાનો પ્રયાસ કરશું.
બીજી તરફ ભારત સામે 84 દડામાં પ6 રનની ધીમી ઇનિંગ રમનાર કાંગારૂ ઓપનર ડેવિડ વોર્નર પાક. સામે આતશી ઇનિંગ રમવાનો પ્રયાસ કરશે. વોર્નર, સુકાની ફિંચ, સ્ટીવન સ્મિથ, શોન માર્શ અને ઉસ્માન ખ્વાઝા પાક. બોલરો પર ભારે પડી શકે છે. પાક. ટીમમાં ફેરફારની શકયતા નથી. ઓસિ. ટીમમાં ઇજાગ્રસ્ત સ્ટનિસના સ્થાને કેન રિચર્ડસનને જગ્યા મળી શકે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer