વર્લ્ડ કપમાં સતત બીજો મેચ વરસાદમાં ધોવાયો

વર્લ્ડ કપમાં સતત બીજો મેચ વરસાદમાં ધોવાયો
શ્રીલંકા અને બંગલાદેશને 1-1 પોઇન્ટ
બ્રિસ્ટોલ, તા.11: વર્લ્ડ કપનો વધુ એક મેચ વરસાદમાં ધોવાઇ ગયો છે. આજનો શ્રીલંકા અને બંગલાદેશ વચ્ચેનો મેચ ભારે વરસાદને લીધે એક પણ બોલ ફેંકાયા વિના રદ્દ કરાયો હતો. આથી બન્ને ટીમને 1-1 પોઇન્ટ મળ્યા હતા. વર્લ્ડ કપમાં સતત બીજા દિવસે વરસાદને લીધે મેચ રદ્દ કરવા પડયો છે. સોમવારે દ. આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝનો મેચ વરસાદને ભેટ ચડી ગયો હતો. આ પહેલા શ્રીલંકા અને પાકિસ્તાનનો મેચ પણ વરસાદને કારણે રમાયો ન હતો. બ્રિસ્ટોલ વર્લ્ડ કપના ત્રણ મેચ રમાવાનો શેડયુલ હતો. જેમાંથી ફક્ત ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન સામેનો મેચ જ રમાયો છે.  આજના મેચમાં ટોસ પણ ઉછાળવામાં આવ્યો ન હતો. ગઇકાલ રાતના ભારે વરસાદને લીધે મેદાનમાં પાણી ભરાયા હતા. આ પછી આજ સવારથી વરસાદ ચાલુ રહ્યો હતો. જેથી મેચ પડતો મુકાયો હતો. શ્રીલંકાનો વધુ એક મેચ વરસાદમાં ધોવાયો છે. તેના હવે 4 મેચમાં 1 જીત, 1 હાર અને બે મેચ રદ્દથી 4 પોઇન્ટ થયા છે અને પાંચમા નંબર પર છે. બંગલાદેશના 4 મેચમાં 1 જીત, 2 હાર અને 1 રદ્દ મેચથી 3 પોઇન્ટ થયા છે અને સાતમા નંબર પર છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer