શિખરના અંગૂઠામાં ફ્રેકચર, પણ વર્લ્ડ કપની બહાર નહીં

શિખરના અંગૂઠામાં ફ્રેકચર, પણ વર્લ્ડ કપની બહાર નહીં
એક સપ્તાહ સુધી ટીમ સાથે ચિકિત્સકોની દેખરેખ હેઠળ રહેશે: પંતને સ્ટેન્ડ બાયમાં રહેવા તાકીદ
લંડન, તા. 11 : ટીમ ઈન્ડિયાના મિશન વર્લ્ડકપને ફટકો પડયો છે અને ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમ્યાન ડાબા હાથના અંગૂઠામાં થયેલી ઈજાને લીધે સ્ટાર ઓપનર શિખર ધવલનું વર્લ્ડ કપમાં રમવું શંકાસ્પદ બન્યું છે. જો કે તે હજુ વર્લ્ડ કપની બહાર થયો નથી. મંગળવારે રાત્રે બીસીસીઆઇએ ધવનની ઇજા પર પહેલીવાર અપડેટ જાહેર કર્યું છે. જે અનુસાર ધવનને ડાબા હાથના અંગૂઠામાં હેરલાઇન ફ્રેકચર થયું છે. આથી શિખર ધવન એક સપ્તાહ સુધી ટીમ સાથે ચિકિત્સકોની દેખરેખ હેઠળ રહેશે. ટીમ ઇન્ડિયાના મિશન વર્લ્ડ કપનો શિખર ધવન મુખ્ય હિસ્સો હોવાથી બીસીસીઆઇ અને ટીમ મેનેજમેન્ટે હાલ પૂરતો તેને વિશ્વ કપની બહાર ન કરવાનો નિર્ણય લીધો છે. જો કે ધવન ગુરૂવારે રમાનાર ન્યુઝીલેન્ડ અને રવિવારે રમાનાર પાકિસ્તાન સામેના મેચ તો ગુમાવશે તે નિશ્ચિત છે. આથી આ બે મેચમાં રોહિતના સાથીદાર તરીકે કેએલ રાહુલને તક મળશે અને ચોથા ક્રમ પર લગભગ દિનેશ કાર્તિકને તક મળી શકે છે.  જયારે યુવા વિકેટકીપર-બેટસમેન રીષભ પંતને સ્ટેન્ડ બાયમાં તૈયાર રહેવા કહેવામાં આવ્યું હોવાના રિપોર્ટ છે.
અગાઉના રિપોર્ટ અનુસાર ઓસી સામે મેચવિજેતા સદી ફટકારનારા ધવનને અંગૂઠામાં હેરલાઈન ફ્રેક્ચર હોવાનું આજે કરાયેલા સ્કેનમાં બહાર આવ્યું હતું અને તબીબોએ તેને ત્રણ સપ્તાહ આરામ કરવાની સલાહ આપી છે. ધવનને સંપૂર્ણપણે ફિટ થવામાં એકાદ મહિનો પણ લાગી શકે છે અને તે કદાચ વર્લ્ડકપની બાકીની મેચોમાં ન રમી શકે તેવી પણ દહેશત છે.
ઓસ્ટ્રેલિયા સામેની મેચ દરમ્યાન 9મી ઓવરમાં ઝડપી બોલર નેથન કુલ્ટર-નાઈલનો ઉછળતો દડો ધવનના હાથમાં લાગ્યો હતો. જો કે,પીડા છતાં ધવને બેટિંગ જારી રાખી હતી અને 109 દડામાં શાનદાર 117 રન કર્યા હતા. ધવન ઈજાને લીધે ફિલ્ડિંગમાં ઉતર્યો નહોતો અને તેના સ્થાને રવીન્દ્ર જાડેજાએ પૂરી પ0 ઓવર ફિલ્ડિંગ કરી હતી. હવે તેને અંગૂઠામાં વાળ જેટલું ફ્રેક્ચર હોવાનું ખૂલ્યું છે. જો ધવનને ત્રણ સપ્તાહનો આરામ આપવામાં આવશે તો તે કિવી અને પાક ઉપરાંત અફઘાનિસ્તાન,વેસ્ટ ઈન્ડિઝ અને ઈંગ્લેન્ડ સામેની ગ્રુપ મેચો પણ
ચૂકી જશે.
જો ધવન નહીં રમે તો તેના સ્થાને કોણ હશે તેની અટકળો શરૂ થઈ ગઈ છે. ટીમના સૂત્રોના જણાવ્યા અનુસારે શ્રેયસ ઐયર અને  યુવા ખેલાડી રિષભ પંતનું નામ  બોલાઈ રહ્યું છે.
આઈસીસીની મોટી સ્પર્ધાઓમાં શિખરનો દેખાવ શાનદાર રહ્યો છે ત્યારે તેને થયેલી ઈજા ભારત માટે ખરેખર ફટકારૂપ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer