સુરતમાં ટયૂશન ક્લાસનાં સંચાલકની ધરપકડ બે ફાયર અધિકારીને કરાયા સસ્પેન્ડ

સુરતમાં  ટયૂશન ક્લાસનાં સંચાલકની ધરપકડ બે ફાયર અધિકારીને કરાયા સસ્પેન્ડ
-આંખ આડા કાન કરનાર અધિકારીઓ પર બોલશે તવાઇ
સુરત, તા. 25: તક્ષશીલા એપાર્ટમેન્ટમાં થયેલાં અગ્નિકાંડ બાદ નિંભર તંત્ર હરકતમાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે. શહેરભરમાં ચાલતાં તમામ કોચીંગ ક્લાસો જ્યાં સુધી ફાયરની સુવિધા ઉભી ન કરે ત્યાં સુધી તત્કાળ બંધ રાખવાના આદેશ જારી કરાયા બાદ આજે પોલીસે તક્ષશીલા એપાર્ટમેન્ટમાં ગેરકાયદેસર બાંધકામ કરીને ઉભુ કરી કોચીંગ ક્લાસ ચલાવનાર સંચાલક ભાર્ગવ મનસુખભાઈ બુટાણીની ધરપકડ કરી હતી. બીજી તરફ મોડી સાંજ સુધીમાં સુરત મનપા કમિશ્નરે ફાયર વિભાગનાં બે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે.
અગ્નિકાંડમાં પોલીસે આજે પ્રથમ ધરપકડ કરી છે. શહેર પોલીસ કમિશ્નર સતીષ શર્માએ જણાવ્યું હતું કે, તક્ષશીલા આર્કેડનાં ટેરેસનાં ઉપરનાં ભાગે ગેરકાયદેસર બાંધકામ ઉભુ કરી નાટા ક્લાસીસના નામથી ડ્રોઈંગ ક્લાસીસ અને ચોથા માળ ઉપર ફાયરસેફ્ટીનાં લગતા કોઈ સાધન સામગ્રી તથા આગ જેવી મોટી હોનારત સર્જાય તેવા સંકટ સમયે બહાર નીકળી શકાય તેવી કોઈ વ્યવસ્થા ન રાખવા માટે ક્લાસીસનાં સંચાલક ભાર્ગવ બુગાણીની ધરપકડ કરવામાં આવી છે. સરથાણા પોલીસે આઈપીસી કલમ 304, 308, 114 મુજબનો ગુનો દાખલ કર્યો છે. આ ઉપરાંત પોલીસે તક્ષશીલા એપોર્ટમેન્ટનાં આ  માળના માલિક પૈકી હરસુલભાઈ વેકરિયા અને જીજ્ઞેશભાઈ સવજીભાઈ પાગડાળની શોધખોળ ચાલુ કરી છે. ગુનાની ગંભીરતા જોતા આરોપી ભાર્ગવને ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો છે.
ગઈકાલે થયેલાં અગ્નિકાંડમાં ફાયરવિભાગની શંકાસ્પદ કામગીરીને લઈને લોકોનો આક્રોશ ભભૂકતા મનપા દ્વારા ચોક્કસ કાર્યવાહી કરવાની આશંકા મુજબ મોડી સાંજ સુધીમાં મહાનગરપાલિકાનાં ફાયરવિભાગનાં બે અધિકારીઓને સસ્પેન્ડ કરવાનાં આદેશ કરાયા છે. મહાનગરપાલિકાનાં કમિશ્નર પર કાર્યવાહીનું દબાણ આવતાં વરાછા ઝોનનાં ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એસ. કે. આચાર્ય અને ફાયર ઓફિસર કિર્તી મોઢને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત આગામી દિવસોમાં વરાછા ઝોન કચેરીના કેટલાંક ટેકનીકલ સ્ટાફના કર્મચારીઓ અને અધિકારીઓ પર પણ આકરા શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવી સંભાવના છે.
તપાસ રિપોર્ટ બે દિવસમાં આવશે ત્યારબાદ જે ચોક્કસ અધિકારીઓએ ઘટના દરમ્યાન આંખ આડા કાન કર્યા હશે તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેવો અણસાર સુરત મનપા કમિશ્નરે આપ્યો છે. આ ઉપરાંત આગામી દિવસોમાં મનપા દ્વારા શહેરભરમાં ફાયરસેફ્ટીને લઈને મોટી મુહિમ ચલાવવામાં આવે તેમ છે.
--------------
સુરત અગ્નિકાંડ
મુદ્દે રાષ્ટ્રીય માનવ અધિકાર દ્વારા નોટિસ
અમદાવાદ, તા.25: સુરતના તક્ષશીલા બિલ્ડિંગમાં લાગેલી આગમાં 23 વિદ્યાર્થીઓના મોત અંગે આજે ખુદ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે. રાજ્યના મુખ્ય સચિવને પાઠવાયેલી આ નોટિસમાં માનવ અધિકાર પંચે સમગ્ર ઘટનાનો કડીબદ્ધ અહેવાલ માંગવા ઉપરાંત કસુરવારો સામે સરકારે શા પગલાં ભર્યા અને ભવિષ્યમાં આવી ઘટના ન બને એ માટે શું તકેદારી લીધી તેની વિગતો પણ માંગી છે. ચાર સપ્તાહમાં ખુલાસો માંગ્યો છે. આયોગે જાતે જ સુઓમોટો કાર્યવાહી હાથ ધરી હતી. ઇમારતની બી.યુ.પરમિશન વગર ઉપરના માળે બાંધકામ કેવી રીતે થયું, કેટલા વર્ષથી એ બાંધકામ હતું. ત્યાં ટયુશન કલાસ ચાલતાં હોવા છતાં એ બંધ કેમ કરાવવામાં ન આવ્યા, બિલ્ડિંગના પ્રવેશદ્વારના દાદર પાસે જ ઇલેકટ્રીક ટ્રાન્સફોર્મર મૂકીને નિયમોનો ભંગ કરવા માટે કોણ જવાબદાર સહિતના અનેક સવાલોની સ્પષ્ટતા માનવ અધિકાર પંચે માંગી છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer