કેબિનેટમાં શાહનું બીજા નંબરનું સ્થાન ?

કેબિનેટમાં શાહનું બીજા નંબરનું સ્થાન ?
-ગુજરાતમાંથી પાંચને પ્રધાન બનાવાશે
-સ્મૃતિ ઇરાનીને મહત્ત્વનું ખાતુ
-નિર્મળા સીતારામનને પણ અગત્યની જવાબદારી
નવી દિલ્હી, તા.25: લોકસભામાં 303 બેઠકો સાથે ફરી ભાજપ સત્તામાં આવ્યું છે ત્યારે પક્ષના મુખ્ય વ્યૂહકર્તા અને નરેન્દ્ર મોદીની તરફેણમાં મોજુ ફેલાવી આપનાર ભાજપના પ્રમુખ અમિતભાઇ શાહ આજકાલ રાજકીય વર્તુળોની ચર્ચાના કેન્દ્રબિંદુમાં છે.
એવી ધારણા છે કે, અમિતભાઇ નરેન્દ્ર મોદીની આગામી કેબિનેટ-પ્રધાનમંડળમાં જોડાશે અને કેબિનેટમાં બીજા નંબરનું સ્થાન પ્રાપ્ત કરશે. ભાજપના ટોચના અગ્રણીઓએ પણ એવો અંદાજ વ્યક્ત કર્યો હતો કે, અમિત શાહ કેબિનેટમાં જોડાશે. જો તેઓ કેબિનેટમાં જોડાય તો તેમને મહત્ત્વનું ખાતુ મળશે અને આ ખાતુ કેબિનેટ કમિટી ફોર સિક્યોરિટીનો એક ભાગ હશે.
અમિત શાહને ગૃહ, વિદેશરક્ષા કે નાણા ખાતુ મળી શકે છે.
અગાઉની જે પ્રણાલી હતી કે ભાજપ તેના વૈચારિક ભાગીદાર આરએસએલના સંકેતો પછી જ નિર્ણયો લેતું હતું તેનાથી ઉલટુ ભાજપની વર્તમાન નેતાગીરી સંઘની સૂચનાઓ નહીં મેળવે. જો કે, તેઓ પોતાના નિર્ણય માટે સંઘના આશિર્વાદ જરૂર લેશે.
2015માં તે વખતના ભાજપના પ્રમુખ રાજનાથસિંઘ સરકારમાં જોડાતા તેમના સ્થાને અમિત શાહ પક્ષના પ્રમુખ બન્યા હતાં અને 2016ના જાન્યુઆરીમાં ફરીથી પ્રમુખ તરીકે ચૂંટાયા હતાં. જાન્યુઆરી-2019માં તેમના હોદ્દાની મુદ્દત પૂરી થઇ હતી અને તેમને ચાલુ રહેવા જણાવ્યું હતું. હવે નવા પ્રમુખ એવા ચૂંટાશે કે જેઓ નરેન્દ્ર મોદી સાથે મેચ જાળવી શકે.
નરેન્દ્ર મોદીની કેબિનેટમાં અન્ય કોણ હોઇ શકે તેની ચર્ચામાં બીજું અગત્યનું નામ સ્મૃતિ ઇરાનીનું કે જેણે અમેઠીમાં રાહુલ ગાંધીને હરાવીને ‘જાયન્ટ કીલર’નું બિરૂદ મેળવ્યું છે. રાજનારાયણે 1977માં ઇન્દિરા ગાંધીને હરાવ્યા હતા તેની સાથે સ્મૃતિ ઇરાનીની સરખામણી થાય છે.
સુષ્મા સ્વરાજે આરોગ્યના મુદ્દાસર ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો. તેથી તેમની વિચારણા ન થઇ શકે. જ્યારે નિર્મલા સીતારામનને પણ મહત્ત્વનું ખાતું સોંપાશે.
નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળમાં પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક અને તેલગંણાનું પ્રતિનિધિત્વ નક્કી છે. પ.બંગાળામાં ભાજપને 18 બેઠકો મળી છે અને ત્યાં 2021માં ધારાસભાની ચૂંટણી થનાર છે. ઓડિશામાં પક્ષને 8 બેઠકો મળી છે. અને તેલંગણામાં 4 બેઠકો મળી છે. જ્યારે કર્ણાટકમાં ભાજપે 28માંથી 25 બેઠકો હાંસલ કરી છે.
એનડીએના સહયોગી પક્ષોને પણ અગત્યના ખાતા મળી શકે છે. જનતા દળ યુનાઇટેડ (જેડીયુ) અને શિવસેનાને અનુક્રમે 16 અને 18 બેઠકો મેળવી છે અને તેમના ઉપરાંત રામનિવાસ પાસવાનના એસજેપીને પણ કેબિનેટમાં સ્થાન મળી શકે છે. ગયા વખતે જેડીયુને કોઇ સ્થાન નહોતું અપાયું.
ગત કેબિનેટમાં દિલ્હીમાંથી એકમાત્ર ડો.હર્ષવર્ધન કેબિનેટમાં હતાં. વિજય ગોયલ દિલ્હીના છે પણ તેઓ રાજસ્થાનમાંથી રાજ્યસભામાં આવ્યા હતાં. આમાં ડો.હર્ષવર્ધનને લોકસભાના અધ્યક્ષ બનાવાય તેવી શકયતા છે અને વિજય ગોયલને મહત્ત્વનું ખાતું અપાશે. દિલ્હીના બીજા દાવેદાર મનોજ તિવારી છે.
એનસીઆરમાંથી હાલ ઇદ્રજીતસિંહ, ડો. મહેશ શર્મા અને વી.કે.સિંહને ફરી પ્રધાન બનાવાય તેવી શકયતા છે.
ગુજરાત: ગુજરાતમાંથી પાંચ સભ્યોને મંત્રી બનાવાય તેવી શકયતા છે. જેમાં મનસુખભાઇ વસાવા, સી.આર.પાટીલ, પૂનમ માડમ, પુરૂષોત્તમ રૂપાલા અને મનસુખભાઇ માંડવિયાનો સમાવેશ થાય છે. માંડવિયા અમિત શાહની નજીક છે અને રૂપાલા ઘણાં સિનીયર છે. એનસીઆરના વજેન્દ્રસિંહને પણ કેબિનેટમાં સ્થાન મળી શકે છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer