રાહુલનું રાજીનામું, પક્ષનો અસ્વિકાર

રાહુલનું રાજીનામું, પક્ષનો અસ્વિકાર
-રાહુલને સમજાવતા મનમોહન : તમારા વિના વિકલ્પ નથી, હારજીત ચાલ્યા કરે
-મોદી સામેના વધુ પડતા પ્રહારથી પક્ષને નુકસાની ?
 
આનંદ કે. વ્યાસ
નવી દિલ્હી, તા. 2પ: લોકસભા ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસને મળેલા કઠોર પરાભવની જવાબદારી સ્વીકારીને રાહુલ ગાંધીએ કોંગ્રેસ કારોબારી સમિતિ (સીડબ્લ્યુસી)ની આજની બેઠકમાં પક્ષપ્રમુખપદેથી રાજીનામું આપવા ઓફર કરી હતી, પરંતુ પક્ષની કારોબારી સમિતિએ તે નકારી દીધું હતુ. બેઠક બાદ પક્ષના મીડિયા પ્રભારી રણદીપ સુરજેવાલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું કે રાહુલની ઓફરને સર્વસંમતિથી નામંજૂર કરવામાં આવી હતી. પક્ષના સંરચનાત્મક ઢાંચામાં આમૂલ પરિવર્તન માટે પક્ષે તમને અધિકૃત કર્યા છે અને પ્રતિકુળ પરિસ્થિતિઓમાં પક્ષને તમારા નેતૃત્વની જરૂર છે એમ સમિતિએ રાહુલ ગાંધીને જણાવ્યુ હતું. સુરજેવાલાએ જણાવ્યું હતું કે બેઠકમાં પસાર કરવામાં આવેલા પ્રસ્તાવમાં જણાવાયું હતું કે ‘2019ના જનાદેશનો કોંગ્રેસ વિનમ્રતાથી સ્વીકાર કરે છે અને એક જવાબદાર તથા સકારાત્મક વિપક્ષની ભૂમિકા નિભાવશે તેમ જ દેશવાસીઓની સમસ્યાઓને સમક્ષ રાખી તેના પ્રતિ સરકારનું ઉત્તરદાયિત્વ સુનિશ્ચિત કરશે. પક્ષ એ 12.13 કરોડ સાહસી અને સજાગ મતદારોનો આભાર માને છે જેઓએ કોંગ્રેસમાં વિશ્વાસ વ્યકત કર્યો છે.’
રાહુલ ગાંધીના રાજીનામાની રજૂઆતને નામંજૂર કરતા પ્રસ્તાવમાં જણાવાયું હતું કે ‘પ્રતિકુળ અને પડકારજનક પરિસ્થિતિઓમાં પક્ષને રાહુલ ગાંધીના નેતૃત્વ અને માર્ગદર્શનની આવશ્યકતા છે.’ સમિતિએ રાહુલ ગાંધીને દેશના યુવાનો, ખેડૂતો, મહિલાઓ, અનુસૂચિત જાતિ/જનજાતિ/પછાતો, ગરીબો, શોષિતો અને વંચિતોની સમસ્યા માટે આગળ વધીને ઝઝૂમવાનો આગ્રહ કર્યો હતો.
કોગ્રેસ કારોબારી એ પડકારો, વિફળતાઓ, ત્રુટીઓનો સ્વીકાર કરે છે જેના કારણે આવો જનાદેશ આવ્યો. સમિતિ પક્ષના દરેક સ્તરે સંપૂર્ણ આત્મચિંતન સાથે સાથે કોંગ્રેસ પ્રમુખને અધિકૃત કરે છે કે તેઓ પક્ષની સંગઠનાત્મક ઢાંચામાં આમૂલાગ્ર પરિવર્તન તથા વિસ્તૃત પુન: સંરચના કરે. તે માટે શકયતમ વહેલી તકે યોજના લાગુ કરવામાં આવશે. કોંગ્રેસ પક્ષ ચૂંટણી હાર્યો છે, પણ અમારું અદમ્ય સાહસ, અમારા સંઘર્ષની ભાવના અને અમારા સિદ્ધાંતો પ્રતિ અમારી પ્રતિબદ્ધતા અગાઉથી વધુ મજબૂત છે. કોંગ્રેસ પક્ષ ઘૃણા અને વિભાજનની તાકાતો સામે ટકકર લેવાને હમેશાં કટીબદ્ધ છે.
આજની બેઠકમાં રાહુલ ગાંધીએ જણાવ્યુ હતું કે ચૂંટણીની હાર મારા માટે જવાબદારી અને ઉત્તરદાયીત્વની વાત છે, તેથી હું રાજીનામું આપીશ. તેમને પ્રિયંકા ગાંધી, સોનિયા ગાંધી અને પૂર્વ પીએમ મનમોહનસિંહે રાજીનામાની રજૂઆત ન કરે તેમ મનાવવા પ્રયાસ કર્યા હતા, તેના જવાબમાં રાહુલે જણાવ્યું હતું કે પરાજય માટે હું જવાબદાર છું.
રાહુલને સમજાવતાં મનમોહનસિંહે જણાવ્યુ હતું કે તમે રાજીનામાની વાત ન કરો. હાર-જીતનો ક્રમ તો ચાલ્યા કરે, તમારા સિવાય બીજો વિકલ્પ પણ નથી. ઈન્દિરા ગાંધી અને સંજય ગાંધી ય હાર્યા હતા,  છતાં પક્ષનુ પુનરાગમન થયું હતુ.
સૂત્રોએ જણાવ્યા પ્રમાણે બેઠકમાં રાહુલની ટીમ સંબંધે ય સવાલ ઉઠાવાયા હતા. સીનિયર નેતાઓએ જણાવ્યું હતું કે તમે નવા લોકોને રાખવા માગતા હોવ તો રાખો, પણ તમારી ટીમમાં રાજકીય લોકોને રાખો. એમ કહેવાયું કે રાહુલ ગાંધીના કાર્યાલયના લોકો નિર્ણય કરે છે પણ તેઓમાં રાજનીતિક સમજ નથી હોતી.
આજની બેઠકમાં સોનિયા ગાંધી, મનમોહનસિંહ, મહામંત્રી ગુલામ નબી આઝાદ, એમ. સિદ્ધરામૈયા, શીલા દીક્ષિત સહિતના નેતાઓ મોજુદ હતા જો કે મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી હાજર રહ્યા ન હતા. રાજસ્થાન, પંજાબ અને પુન્ડુચેરીના સીએમ અનુક્રમે અશોક ગેહલોત, અમરીન્દરસિંહ અને નારાયણસ્વામી હાજર રહ્યા હતા.
પક્ષમાં ખુલ્લંખુલ્લા કોઈ બોલી રહ્યંy નથી પણ અંદરખાને એવો મત પ્રવર્તે છે કે પીએમ મોદી વિરુદ્ધ વધુ પડતા પ્રહારોના કારણે પક્ષને નુકસાન થયું છે, ખાસ કરીને ‘ચોકીદાર ચોર હૈ’- જેવા નકારાત્મક પ્રચારે પક્ષને હાની કરી  છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer