મોદીએ આપ્યો મૂળ મંત્ર : સબકા સાથ, સબકા વિકાસ ને તમામનો વિશ્વાસ

મોદીએ આપ્યો મૂળ મંત્ર : સબકા સાથ, સબકા વિકાસ ને તમામનો વિશ્વાસ
નવીદિલ્હી, તા. 25: વડાપ્રધાન નરેદ્ર મોદીએ સંસદના સેન્ટ્રલ હોલમાં એનડીએ અને ભાજપ સંસદીય દળના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા બાદ ફરી એકવાર ઐતિહાસિક સંબોધન કર્યું હતું જેમાં મોદીએ કહ્યું હતું કે, સબકા સાથ સબકા વિકાસ અને તમામનો વિશ્વાસ અમારો મૂળ મંત્ર છે. ગરીબોની જેમ જ લઘુમતીઓ સાથે પણ ઠગાઈ કરવામાં આવી છે. તેમને ડરાવીને રાખવામાં આવ્યા છે. તેમના વિકાસ તરફ ધ્યાન આપવામાં આવ્યું નથી. તેમનો માત્ર વોટબેંક માટે ઉપયોગ થયો છે. તેમનો વિશ્વાસ જીતવાની પણ જરૂર છે. મોદીએ કહ્યું હતું કે, ટીવી પર દેખાય તે માટેના લાલચથી બચવાની જરૂર છે. આનાથી બચીને ચાલવાની સ્થિતિમાં પોતે પણ બચીશું અને બીજાને પણ બચાવીશું. મોદીએ કહ્યું હતું કે,  મોદી જ મોદીના ચેલેન્જર તરીકે છે. આ વખતે મોદીએ મોદીને પડકાર ફેંક્યો હતો અને 2014ના તમામ રેકોર્ડ તોડી દીધા છે. ગૃહમાં મહિલાઓની સંખ્યાનો પણ રેકોર્ડ તૂટી ગયો છે. વિશ્વાસની ડોર જ્યારે વધારે મજબૂત હોય છે ત્યારે શાસન તરફી લહેર ચાલતી હોય છે. સેન્ટ્રલ હોલની આ ઘટના અસામાન્ય બની ગઈ છે. આજે અમે નવા ભારતમાં સંકલ્પને લઇને નવી ઊર્જા સાથે આગળ વધવા જઈ રહ્યા છે. ચૂંટણી અભિયાનના સમયે અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા પરંતુ અમારા તમામ સાથીઓને વિશ્વાસ હતો કે, અમે 50 ટકાની લડાઈ લડીશું અને અમે જીતીને આવ્યા છે. મોદીએ પોતાનાં સંબોધનમાં કહ્યું હતું કે, નિયમોના પાલનમાં કોઇ સંકોચ રાખવાની જરૂર હોવી જોઇએ નહીં. વીઆઈપી કલ્ચરથી દૂર રહેવાની જરૂર છે. અમને તમામ પ્રજાનું સન્માન કરવાની જરૂર છે. આવી સ્થિતિમાં લોકોની નજીક પહોંચી શકાશે. મોદીએ ઉમેર્યું હતું કે, જેટલા મત અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને તેમની પ્રમુખની ચૂંટણીમાં મળ્યા હતા. અમારા વોટમાં એટલાનો તો વધારો થયો છે. જનપ્રતિનિધિઓ માટે કોઇ અલગ હોઈ શકે નહીં. વિનોબાભાવે કહેતા હતા કે ચૂંટણીથી વિભાજન થાય છે પરંતુ 2019ની ચૂંટણીએ તમામ દિવાલો તોડી દીધી છે. મોદીએ સફળતા માટે તમામનો આભાર માન્યો હતો.
શ્રી મોદીએ બંધારણની મહાન ભાવના 1857ના વિદ્રોહ વખતે ખભેખભા મિલાવીને લડતા દેશવાસી તેમજ 1942થી 1947 સુધીની ક્રાંતિની ચિનગારીને યાદ કરીને કહ્યું કે, નવા ભારતમાં વસુધૈવ કુટુમ્બકમની ભાવનાથી આગળ વધવું છે. લઘુમતીમાં ખોટી ભ્રમણા ફેલાવવા પ્રયાસ થયા છે એ દૂર કરવું છે. સૌ દેશવાસીઓ એક છે. તેમણે ભારતને ગરીબી મુક્ત કરવાની હાકલ કરતાં કહ્યું કે, વિશ્વના દેશોને ભારત પાસે મોટી અપેક્ષા છે, જનતાની ઘણી આકાંક્ષાઓ છે એ માટે કરી છૂટવાનો સમય છે. ભારતને બદલવા માટે સૌએ સાથે મળીને ચાલવું પડશે એમ વડાપ્રધાને ઉમેર્યું હતું.
ભાજપ પ્રમુખ અમિત શાહે પણ સંબોધન કર્યું હતું અને કહ્યું હતું કે, અમને વિશ્વાસ હતો કે, મોદીનાં નેતૃત્વમાં અમને પૂર્ણ બહુમતી મળશે. ભાજપને 303 અને એનડીએને 353 સાંસદો મળ્યા છે.
આ પહેલાં સંસદના મધ્યસ્થ ખંડમાં ભાજપ સંસદીય દળની બેઠક મળી હતી જેમાં એનડીએના સાથીપક્ષો પણ હાજર હતા. આ બેઠકમાં નરેન્દ્ર મોદીની નેતાપદે ઔપચારિક વરણી કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદીને નેતા બનાવવાના રાજનાથસિંહના પ્રસ્તાવને નીતિન ગડકરીએ અનુમોદન આપ્યું હતું. આ પછી અકાલીદળના પ્રકાશસિંહ બાદલે એનડીએના સંસદીય દળના નેતાપદ માટે મોદીના નામનો પ્રસ્તાવ મૂકયો હતો જેને આ બેઠકમાં સર્વસંમતિથી પસાર કરવામાં આવ્યો હતો. સમર્થન કરનારાઓમાં શિરોમણિ અકાલીદળના નેતા પ્રકાશસિંહ બાદલ, જેડી(યુ) નેતા નીતીશ કુમાર, એલજેપીના રામવિલાસ પાસવાન વગેરેનો સમાવેશ થાય છે.
---------------
સરકાર રચવા દાવો 30મીએ શપથવિધિ ?
નવી દિલ્હી, તા. 25 : એનડીએની બેઠકમાં મોદીને સંસદીય પક્ષના નેતા ચૂંટયા બાદ રાષ્ટ્રપતિ પાસે સરકાર રચવા એનડીએ દ્વારા દાવો કરવામાં
આવ્યો હતો. હવે આગામી 30મી મેના રોજ મોદી શપથ ગ્રહણ કરે તેવી શક્યતા છે. આ કાર્યક્રમમાં બીજા દેશના રાષ્ટ્રાધ્યક્ષોને આમંત્રણના અહેવાલોનું સરકારી સૂત્રોએ ખંડન કર્યું છે. સરકારી સૂત્રોના કહેવા પ્રમાણે મીડિયામા અહેવાલ સામે આવી રહ્યા છે કે શપથગ્રહણ વિધિમાં વિદેશી પ્રમુખોને આમંત્રણ પાઠવવામાં આવશે. જો કે હજી સુધી આ સંબંધે કોઈપણ સૂચના મળી નથી. આ ઉપરાંત મોદીના શપથગ્રહણ સમારોહ અંગે પણ કોઈપણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
-------------
ભારતીયો ભાગ્યશાળી, તેમની પાસે મોદી છે : ટ્રમ્પ
નવી દિલ્હી, તા. 25 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઐતિહાસિક વિજયની વધામણી આપનારા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, ભારતીયો ભાગ્યશાળી છે કે, તેમની પાસે મોદી છે.
ટ્રમ્પે ટ્વિટ કરીને નરેન્દ્ર મોદીને ‘મહાન વ્યક્તિ’ ગણાવ્યા છે. મેં ફોન કરીને તેમને અભિનંદન આપ્યા છે. મોદી ભારતીયોના નેતા છે.
અમેરિકાના એક અન્ય નેતા અને ટ્રમ્પના પુત્રી ઈવાંકા ટ્રમ્પે પણ ટ્વિટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપતાં કહ્યું કે, ભારતના લોકો માટે હવેનો સમય રોમાંચક હશે.
મોદીએ પણ ઈવાંકાનો આભાર માનતા કહ્યંy હતું કે, ધન્યવાદ ઈવાંકા આપ જેવા ભારતના સાચા મિત્રોની શુભકામના અમૂલ્ય છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer