કોંગી નગરસેવકોએ જેને ફીણવાળું પાણી કીધું તે અધિકારીઓએ પીધું

કોંગી નગરસેવકોએ જેને ફીણવાળું પાણી કીધું તે અધિકારીઓએ પીધું
મેયર કહે છે કે, ક્લોરીનના કારણે પાણીમાં ફીણ વળે છે તો સ્વીમીંગ પુલમાં કેમ વળતા નથી ? : કોંગ્રેસનો વેધક સવાલ
રાજકોટ, તા.18: શહેરનાં ચંદ્રેશનગર, પુનિતનગર અને ગુરૂકુળ સંપમાં આજે જનતાને સાથે રાખીને કોંગ્રેસના કોર્પોરેટરોએ ત્રણેય ટાંકામાંથી તંત્રના ભોપાળા ખૂલ્લા પાડયાં હતાં. આ ટાંકામાં સંગ્રહીત પાણી ફીણવાળું હોવાનું તેમજ તેનું શહેરના જૂદા જૂદા વિસ્તારોમાં વિતરણ કરાતું હોવાનો આક્ષેપ કોંગી નગરસેવકોએ કર્યો હતો. જો કે, અધિકારીઓએ સ્થળ પર જઈ લોકોની હાજરીમાં જ આ ફીણવાળુ પાણી પીને કોંગ્રેસની રજૂઆતને ખોટી સાબીત
કરી હતી.
કોંગ્રેસના નગરસેવક જાગૃતિબેન પ્રભાતભાઇ ડાંગર સંજયભાઇ અજુડિયા, રવજીભાઇ ખીમસુરિયા, વિપક્ષીનેતા વશરામભાઇ સાગઠિયા સહિતના લોકોએ આજે વહેલી સવારથી ગુરૂકુળ, ચંદ્રેશનગર અને પુનિતનગરના પાણીના સંપમાં ચેકિંગ હાથ ધર્યું હતું અને મ્યુનિ. તંત્ર દ્વારા છેલ્લાં એક વર્ષથી આ ત્રણેય ટાંકાની સફાઇ કરવામાં આવી ન હોવાનું, ત્રણેય ટાંકામાં સેવાળના નીચે ધૂળના પડ જામી ગયાં હોવાનું જણાવ્યું હતું. કોર્પોરેટરોએ ઉમેર્યુ હતું કે, રૈયાધારથી ફિલ્ટર કરીને સંપમાં નખાતાં પાણીમાં ફીણ જોવા મળ્યાં હતાં અને આ પાણી અલગ-અલગ વિસ્તારોમાં વિતરીત થતું હતું.
દરમિયાન આ મુદ્દે મેયર બિનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, ખરેખર ફીણ કલોરિનના હિસાબે વળ્યાં છે. પાણી દૂષિત નથી.જો કે, તેનો વળતો જવાબ આપતાં કોંગી મહિલા કોર્પોરેટર જાગૃતિબેન ડાંગરે એવો આક્ષેપ કર્યો કે, કલોરિનેશનના કારણે ફીણ વળતાં હોય તો તમામ સ્વિમિંગ પુલમાં ફીણ કેમ નથી વળતાં સૌથી વધુ ફીણનો ઉપયોગ તો ત્યાં થાય છે ?
સુપર ક્લોરિનેશનના લીધે જ ફીણ વળે છે :મ્યુનિ.કમિશનર
ફીણવાળા પાણી મુદ્દે  કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, વોટર વર્કસ શાખાના અધિકારીઓએ લોકોની હાજરીમાં આ સંપનું પાણી પીઇને બતાવ્યું છે અને તે શુધ્ધ અને પીવાલાયક છે. ફિલ્ટર પ્લાન્ટમાં બે વખત કલોરિનેશ થઇ પુનિત નગર પહોંચતા હાલ ઉનાળામાં રોગચાળો ન પ્રસરે તે માટે ફરી તેમાં બે વખત કલોરિનેશન કરવામાં આવે છે જેને સુપર કલોરિનેશન કહેવામાં આવે છે અને તેના કારણે આ પાણીમાં ફીણ વળે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer