રેલવે સ્ટેશન સૌરાષ્ટ્રનું જોવાલાયક સ્થળ બનશે !

રેલવે સ્ટેશન સૌરાષ્ટ્રનું જોવાલાયક સ્થળ બનશે !
એકના બદલે નવા ત્રણ પ્રવેશદ્વાર, સ્ટેશનની બહારથી ખબર પડી જશે કે કઈ ટ્રેન ક્યારે, કયા પ્લેટફોર્મ પર આવશે
રાજકોટ, તા.18: રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે, આ એક એવું શહેર છે જે ભૌગોલિક રીતે સૌરાષ્ટ્રનું અને મોરબી  કચ્છનું પ્રવેશદ્વાર છે, એટલું જ નહીં વ્યાપાર અને ઉદ્યોગની દૃષ્ટિએ રાજકોટ અને મોરબી  પણ રાજકોટ હવે દેશ અને દુનિયામાં પણ જાણીતા  બન્યું  છે, આવતા દિવસોમાં રાજકોટમાં તો  એઈમ્સ, હાઈકોર્ટ અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ આવી રહ્યા છે ત્યારે માસ ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા પણ સુદૃઢ બને એ એટલું જ જરૂરી છે, આ માટે એસ.ટી.બસ ડેપો હવે ‘બસ પોર્ટ’ બની રહ્યો જ છે તેની સાથે રાજકોટ રેલવે સ્ટેશનનું પણ મેકઓવર રૂ.74 કરોડના ખર્ચે થઈ રહ્યંy છે.
મોટાભાગે રેલવે સ્ટેશને મુસાફરોની જ અવરજવર હોય છે પરંતુ આગામી દિવસોમાં રાજકોટ, મોરબી અને જામનગર એવા સ્ટેશનો બનશે જેને લોકો ખાસ જોવા આવશે, રાજકોટની જ વાત કરીએ તો અહીં સ્ટેશનનું મુખ્ય પ્રવેશ દ્વાર જ સૌરાષ્ટ્રની સંસ્કૃતિની ઝલક બતાવતું હોય તેવું બનાવાશે, ખાસ પથ્થર દ્વારા હાલ આ પ્રવેશદ્વાર લગભગ સીતેર ટકા જેવું પૂરું થઈ ગયુ છે, આ ઉપરાંત રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચે 2021 સુધીમાં ડબલટ્રેકની કામગીરી પૂરી થઈ જવાની ગણતરીએ રાજકોટ રેલવે સ્ટેશને વધારાના બે પ્લેટફોર્મ બનાવવા પણ પ્લાનીંગ થઈ ગયું છે, આ માટે રૂખડિયા રેલવે કોલોનીમાં સ્ટેશનની અડીને આવેલા કેટલાક રેલવે ક્વાર્ટર પાડવાની પણ કામગીરી શરૂ કરી દેવાઈ છે, અહી જગ્યા થયા પછી વધારાના પ્લેટફોર્મ બનશે.
રાજકોટ, અમદાવાદ સહિતના સ્ટેશનો પર એક નંબરના પ્લેટફોર્મ નવા બનાવવા યોજના અંતર્ગત કેન્દ્ર સરકારે ફાળવેલા નાણાંમાંથી રાજકોટમાં પણ છેલ્લા કેટલાક સમયથી એક નંબર પ્લેટફોર્મ પર આ કામગીરી ચાલી રહી છે, રેલવેના વર્તુળોના જણાવ્યા પ્રમાણે આ એક નંબરનું પ્લેટફોર્મ એ પ્રકારનું બનાવાશે જેની ફર્શ પર કંઈ પણ પાથર્યા વગર બેસી શકો એવું સ્વચ્છ અને સુંદર હશે.
ટ્રોલી દ્વારા  સફાઈ રાઉન્ડ ધી ક્લોક ચાલુ રહેશે, આ ઉપરાંત એસ્કેલેટર જે કામ લાંબા સમયથી ગોટે ચડયુ હતુ તે હવે આ નવિનીકરણ સાથે આવરી લેવાયુ છે.
રાજકોટ એ ગાંધીજીના જીવનના મહત્વના પ્રસંગો અને ઘટનાઓનું સાક્ષી છે પહેલી જ વાર રાજકોટ આવનારને રેલવે સ્ટેશન પરથી જ ગાંધીજી સહિતના રાજકોટના મહત્વ વિષે જાણ થઈ જાય એ રીતે ડીસપ્લે સ્ક્છરીન, પુસ્તકો, પુસ્તકાલય, રાજકોટની ઐતિહાસિક માહિતી આપતું કાઉન્ટર કે સેન્ટર પણ સ્ટેશન પર જ કાર્યરત કરવાની પણ યોજના છે.
ભક્તિનગર બનશે સેટેલાઈટ સ્ટેશન
ભક્તિનગર રેલવે સ્ટેશન હવે શહેરની લગભગ વચ્ચે આવી ગયુ છે અલબત્ત આ સ્ટેશન હાલ ભાવનગર ડિવિઝન હેઠળ આવે છે, અહીં પણ પેસેન્જર્સ એસો.ના કિરણભાઈ શુક્લ દ્વારા લાંબા સમયથી વિવિધ સુવિધાઓ બાબતે સમયાંતરે રજુઆત થતી રહી છે એટલે અહીં પણ અગાઉ કરતા અનેક સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. હવે આગામી દિવસોમાં જ્યારે ડબલટ્રેક  બની જશે એ પછી લાંબા અંતરની ટ્રેનોની ફ્રીકવન્સી વધશે એટલે આ સ્ટેશનને સેટેલાઈટ સ્ટેશન બનાવવાનો પ્લાન હોવાનો નિર્દેશ સિનીયર કોમર્શિયલ મેનેજર રવિન્દ્ર શ્રીવાસ્તવે આપ્યો છે. અહીંથી લાંબા અંતરની ટ્રેનોને ટર્મીનેટ કરવા કે ટ્રેનોને મેનેજ કરવાના પ્લાનીંગ રૂપે આ સ્ટેશનને સેટેલાઈટ સ્ટેશન બનાવવાની યોજના છે.
નવું શું હશે?
 મુખ્ય પ્રવેશ દ્વાર પર સૌરાષ્ટ્રની સંસ્કૃતિની ઝલક
 સ્ટેશનની બહાર જ ટ્રેનની માહિતી આપતી ડીસપ્લે ક્રીન
 રાજકોટ અને ગાંધીજીની માહિતી આપતી ક્રીન, પુસ્તકો
 અમદાવાદની જેમ રિક્ષા સ્ટેશન સંકુલમાંથી જ મળી જશે
 રૂખડિયા કોલોનીમાંથી નિકળશે સ્ટેશનનો બીજો રસ્તો
 મુખ્ય પ્રવેશ દ્વાર પાસે જ ટિકીટ  બૂકીંગ ઓફીસ

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer