પૂજા હેગડે 4 વર્ષ બાદ ફરી એક વખત હિન્દી ફિલ્મમાં

પૂજા હેગડે 4 વર્ષ બાદ ફરી એક વખત હિન્દી ફિલ્મમાં
પૂજા હેગડેને દક્ષિણ ભારતની શ્રેણીબદ્ધ ફિલ્મો પણ મળી : ફિટનેસને લઇને ભારે મહેનત કરી રહી છે
મુંબઈ, તા.18 : બોલિવૂડ અને ટોલિવૂડની લોકપ્રિય અભિનેત્રી પૂજા હેગડે ફરી એકવાર હિન્દી ફિલ્મમાં સક્રિય થઈ રહી છે. તે કોમેડી સીરિઝની ફિલ્મ હાઉસફુલ-4માં નજરે પડનાર છે. પૂજા હેગડે આશરે ચાર વર્ષના લાંબા ગાળા બાદ બોલિવૂડની કોઇ ફિલ્મ કરી રહી છે. પોતાની તૈયારીના સંબંધમાં વાત કરતા પૂજા હેગડે કહે છે કે છેલ્લા કેટલાક સપ્તાહથી તે ફિલ્મના શાટિંગ માટે જુદાં જુદાં સ્થળ પર પહોંચી રહી છે. જેથી તેને ખૂબ મહેનત કરવી પડી રહી છે. તે ફિલ્મમાં સ્થાન મેળવીને ખૂબ જ ખુશ છે. તેનું કહેવું છે કે તે પોતાની ફિટનેસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી રહી છે. હાલના દિવસોમાં તે સવારે ચાર વાગે ઉઠી જાય છે અને ફિટનેસને લઇને વ્યસ્ત બની જાય છે. તેનું કહેવું છે કે તેના ડાયેટમાં માત્ર ઘરની ચીજો રહેલી છે. તે ડાયાટિંગમાં વિશ્વાસ કરતી નથી. માત્ર જંક ફૂડથી દૂર રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે પૂજા ફિલ્મમાં પોતાનાં ગીતને લઈને દિવસ દરમિયાન રીહર્સલ કરતી રહે છે. જેથી તે ખૂબ સાવધાન બનેલી છે. તેનું કહેવું છે કે હાઉસફુલ જેવી સીરિઝમાં તેને કામ કરવાની તક મળી છે જે તેના માટે સારી બાબત છે, કારણ કે આ સીરિઝની ફિલ્મો હંમેશાં સફળ અને હિટ સાબિત થઈ છે. નવી ફિલ્મમાં આ વખતે બોબી દેઓલની વાપસી થઈ રહી છે. તેની સાથે રિતેશ દેશમુખ પણ છે. ફિલ્મમાં અક્ષય કુમાર કામ કરી રહ્યો છે. ફિલ્મમાં પૂજા ઉપરાંત ક્રીતિ સનુન પણ છે. ફિલ્મ ભરપૂર કોમેડી ફિલ્મ છે. અક્ષય કુમાર લાંબા સમય બાદ ખાસ રીતે કોમેડી ફિલ્મ કરી રહ્યો છે. અક્ષય અને બોબી પણ લાંબા સમય બાદ સાથે નજરે પડી રહ્યા છે. હાઉસફુલ ફિલ્મને લઇને તમામ કલાકારો ફિલ્મના શાટિંગમાં હાલમાં લાગી ગયા છે. ફિલ્મના શાટિંગને વહેલી તકે પૂર્ણ કરીને ફિલ્મ રજૂ કરવા માટેની તૈયારી કરાઈ છે. પૂજા પાસે અન્ય કેટલીક સારી ફિલ્મ આવી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer