વિશ્વકપમાં રોહિત-કોહલીના નિશાને ગાંગુલીનો 20 વર્ષ જૂનો રેકોર્ડ

વિશ્વકપમાં રોહિત-કોહલીના નિશાને ગાંગુલીનો 20 વર્ષ જૂનો રેકોર્ડ
ઈંગ્લેન્ડના વિશ્વકપમાં ભારતીય બેટ્સમેનના સર્વોચ્ચ સ્કોરને પાર કરવા થશે પ્રયાસ
નવી દિલ્હી, તા. 18 : રોહિત શર્માના નામે વનડે ઈન્ટરનેશનલમાં રેકોર્ડ ત્રણ બેવડી સદી છે અને હવે 30 મેથી શરૂ થનારા વિશ્વકપમાં લાંબી ઈનિંગ રમવાની પોતાની ક્ષમતાનું પ્રદર્શન કરીને સૌરભ ગાંગુલીના 20 વર્ષ જૂના ભારતીય રેકોર્ડને તોડવાનો પ્રયાસ કરશે. રોહિત જ નહી કોહલી અને શિખર ધવન પણ મોટી ઈનિંગ રમીને વિશ્વકપમાં એક ઈનિંગમાં સર્વોચ્ચ સ્કોરનો ભારતીય રેકોર્ડ પોતાના નામે કરવામાં કોઈ કસર છોડશે નહી.
દર ચાર વર્ષે થતા વિશ્વકપમાં આમ તો બેવડી સદી લાગી છે પણ ભારત તરફથી સર્વોચ્ચ સ્કોર 183 રન છે જે ગાંગુલીએ 1999માં ટાંટનમાં શ્રીલંકા સામે કર્યા હતા. ત્યારબાદ માત્ર બે વખત ભારતીય બેટ્સમેન 150 સ્કોરને પાર થઈ શક્યા છે. વીરેન્દ્ર સહેવાગ પાસે 2011માં બંગલાદેશ સામે ઢાકામાં ગાંગુલીનો રેકોર્ડ તોડવાનો મોકો હતો. પરંતુ 1983માં કપિલ દેવના ઐતિહાસિક 175 રનના સ્કોર સુધી પહોંચીને પેવેલિયન પરત ફર્યો હતો.
સચિન તેંડુલકરે 2003માં નામીબિયા સામે 152 રન કર્યા હતા. વનડેમાં પહેલી બેવડી સદી કરનારા તેંડુલકરનો આ વિશ્વકપમાં સર્વોચ્ચ સ્કોર પણ છે. ઈંગ્લેન્ડની પીચની વાત કરવામાં આવે તો કહેવાય રહ્યું છે કે પીચ બેટ્સમેનને અનુકુળ છે અને 500નો સ્કોર પણ થઈ શકે છે. આ પરિસ્થિતિને ધ્યાને લઈને ભારતીય શીર્ષ ક્રમના કોઈપણ બેટ્સમેન પાસેથી મોટી ઈનિંગની આશા સેવાઈ રહી છે. જેમાં રોહિત શર્મા પ્રમુખ છે. રોહિત શર્મા વનડેમાં સાત વખત 150થી વધુનો સ્કોર કરી ચૂક્યો છે. જેમાં સૌથી મોટો સ્કોર 264 રન છે જે વિશ્વવિક્રમ છે. રોહિત શર્માનો વિશ્વકપમાં હાઈએસ્ટ સ્કોર 137 રનનો છે જે ચાર વર્ષ પહેલા મેલબર્નમાં બંગલાદેશ સામે કર્યો હતો. ધવને પણ મેલબર્નમાં જ દક્ષિણ આફ્રિકા સામે 137 રન કર્યા હતા. કેપ્ટન કોહલીની વાત થાય તો તેના નામે વિશ્વકપમાં બે સદી નોંધાઈ છે. પરંતુ સર્વોચ્ચ સ્કોર 107 રનનો છે જે 2015માં પાકિસ્તાન સામે એડિલેડમાં કર્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer