પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ડામાડોળ

એક ડઝન સંતરાના 360, એક કિલો લીંબુના 400 રૂપિયા
નવી દિલ્હી, તા. 18 : પાકિસ્તાનની આર્થિક પરિસ્થિતિ દિનપ્રતિદિન કથળી રહી છે. જેના કારણે હવે લોકો ઉપર ભારણ આવવા લાગ્યું છે. પાકિસ્તાની રૂપિયો ડોલરના મુકાબલે અત્યારસુધીના સૌથી નીચલા સ્તરે પહોંચ્યો છે. આ કારણથી પાકિસ્તાનમાં ખાણીપીણી અને અન્ય જીવન જરૂરી વસ્તુઓના ભાવ સાતમા આસમાને પહોંચ્યા છે. એક ડોલરની કિંમત પાકિસ્તાનમાં 148 રૂપિયા સુધી પહોંચી છે. આટલું જ નહી બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે પાકિસ્તાની મુદ્રા એશિયાની અન્ય 13 મુદ્રાઓમાં સૌથી ખરાબ પ્રદર્શન કરનારી કરન્સીમાંથી એક છે. જેમાં 20 ટકા ઘટાડો નોંધાયો છે.
આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ અને પાકિસ્તાન વચ્ચે ગયા અઠવાડિયે 6 અબજ ડોલરના રાહત પેકેજને લઈને શરૂઆતી સહમતી બની છે. પરંતુ તેનાથી પણ આર્થિક પરિસ્થિતિ સુધરવાની શક્યતા ઓછી છે. કારણ કે પાકિસ્તાનમાં મોંઘવારીએ પાછલા તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને ખેક ડઝન સંતરા 360 રૂપિયાના અને લીંબુની કિંમત 400 રૂપિયે કિલો સુધી પહોંચી છે. મોંઘવારીમાં પીસાતા પાકિસ્તાની નાગરિકો હવે સોશિયલ મિડિયા ઉપર મુશ્કેલીઓને વર્ણવી રહ્યા છે. સ્થાનિક લોકો ટ્વીટ કરીને કહી રહ્યા છે કે મોંઘવારી સરકારના અંકૂશમાં નથી રહી. 150 રૂપિયા ડઝન કેળા, મટન 1100 રૂપિયા કિલો અને એક લીટર દુધ માટે લોકોને 120 થી 180 રૂપિયા ચૂકવવા પડે છે. તેમાં પણ કિંમત જગ્યાના હિસાબે બદલી રહી છે. મોંઘવારીનો માર માત્ર દૂધ ઉપર જ નથી પડયો. ડુંગળીની કિંમતમાં 40 ટકા, ટમેટામાં 19 ટકા, ચિકનમાં 16 ટકા, મગ દાળમાં 13 ટકાનો વધારો આવ્યો છે અને અન્ય વસ્તુઓની કિંમત પણ આસમાને પહોંચી છે. રમઝાન મહિનાની શરૂઆતે પાકિસ્તાન સરકારે ઈંઘણની કિંમતમાં નોંધપાત્ર વધારો જીંક્યો હતો. જેને લઈને વસ્તુના ભાવમાં પણ અસર જોવા મળી રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer