યુવા પેઢી ગાયનમાં કોપી પેસ્ટ કરવા કરતાં પોતાની ઓળખ ઊભી કરે

યુવા પેઢી ગાયનમાં કોપી પેસ્ટ કરવા કરતાં પોતાની ઓળખ ઊભી કરે
રાજકોટના અતિથિ બનેલા  લિજેન્ડરી સંગીતકાર (લક્ષ્મીકાન્ત) પ્યારેલાલ સાથે વાતચીત
લક્ષ્મીકાન્ત અને પ્યારેલાલની પહેલી મુલાકાત કેવી રીતે થઈ? જાણો રસપ્રદ વાતો
યશપાલ બક્ષી
રાજકોટ, તા. 18 : ‘અત્યારે નવી પેઢીને સંગીતમાં રુચિ છે. ખૂબ સારા ગાયકો આવી રહ્યા છે પણ આજના ઊભરતા ગાયકોએ કોપી-પેસ્ટ કરવા કરતાં પોતાની આગવી ઓળખ ઊભી કરવી જોઈએ.’ રાજકોટના અતિથિ બનેલા લિજેન્ડરી સંગીતકાર લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ ફેઈમ પ્યારેલાલ શર્માએ જન્મભૂમિ જૂથના પત્રો સાથે ખાસ વાતચીત કરી હતી. આ વિશેષ વાતચીતમાં તેમણે જૂના પ્રસંગો, સ્મૃતિઓ વાગોળ્યા હતા અને કહ્યું કે, હું સંગીત માટે હજી ઘણું કામ કરવા માગું છું.
લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ આ નામ સાથે જ બોલાય છે અને બોલાતા રહેવા જોઈએ, એવો આગ્રહ લક્ષ્મીકાન્તે રાખ્યો હતો. પ્યારેલાલજીએ પણ લક્ષ્મીકાન્તજીની આ ઈચ્છાને માન આપી બન્નેના નામ સાથે જ લેવાય, તેવી પરંપરા આજે પણ જાળવી રાખી છે. પ્યારેલાલ પોતાના નાનપણના સ્મરણો વાગોળતાં કહે છે, મારા પિતા શ્રીરામપ્રસાદ શર્માજી નાનપણથી પુલીસ બેન્ડમાં વેસ્ટર્ન મ્યુઝીક વગાડતા. એ બ્રાસ ઈન્સ્ટ્રુમેન્ટ ટ્રમ્પેટ વગાડતા હતા. એ વખતે વેસ્ટર્ન મ્યુઝીકમાં ક્રિશ્ચન અને પારસીનો જ દબદબો હતો. કોઈપણ પ્રોગ્રામમાં એમને આગળ જગ્યા મળતી અને ઈન્ડીયન્સને પાછળ બેસાડવામાં આવતા. પ્યારેલાલજી વાત આગળ વધારતાં કહે છે, હું આઠ વર્ષનો હતો અને મારો નાનો ભાઈ દોઢ વર્ષનો હતો ત્યારે મારી માતાનું નિધન થઈ ગયું. પણ આઠ વર્ષથી ઉંમરમાં મારા પિતાએ મને વાયોલિન શિખવવાનું શરૂ કર્યું અને તે પણ વેસ્ટર્ન મ્યુઝીક. મારા પિતાજીની ઈચ્છા હતી કે, હું વાયોલિન શિખીને સંગીતમાં આગળ વધું. જો કે, પછી પિતાજીએ બીજા લગ્ન કર્યા. બે લગ્ન દરમિયાન અમે છ ભાઈ અને બે બહેન છીએ. બે ભાઈ સદેહે નથી પણ અમે તમામ ભાઈ-બહેન સંગીત સાથે જ સંકળાયેલા ખરા.
પ્યારેલાલજીની સંગીત સફર વાયોલિન વાદક તરીકે શરૂ થઈ. પછી એ મ્યુઝીશિયન બન્યા, મ્યુઝીક એરેન્જર બન્યા અને પછી છેલ્લે મ્યુઝીક ડાયરેક્ટર તરીકે સ્થાપિત થયા. તે કહે છે, હું એક પછી એક સ્ટેપ ચડીને ટોચ ઉપર પહેંચ્યો છું અને આ રીતે જ ટોચ ઉપર પહેંચી શકાય છે. કુદકો મારીને ક્યારેય સફળ થવાતું નથી. લક્ષ્મીકાન્તજી સાથે પહેલી મુલાકાત કેવી રીતે થઈ? શંકર-જયકિશન અને બોબી ફિલ્મ સાથેનો કિસ્સો શું છે ? એની પણ રસપ્રદ વાતો પ્યારેલાલજીએ કરી.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer