દિવ્યાંગોનો પ્રવાસ લઈ ગયેલા કગથરા પરિવારની ફ્લાઈટ મિસ થઈ ધારાસભ્ય લલિત કગથરાના પુત્રનું બસ અકસ્માતમાં મૃત્યુ

દિવ્યાંગોનો પ્રવાસ લઈ ગયેલા કગથરા પરિવારની ફ્લાઈટ મિસ થઈ ધારાસભ્ય લલિત કગથરાના પુત્રનું બસ અકસ્માતમાં મૃત્યુ
પશ્ચિમ બંગાળમાં ટ્રક સાથે જોરદાર ટક્કર થઈ
લલિતભાઈના પત્ની, બીજા પુત્ર અને પુત્રવધૂને સામાન્ય ઈજા
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વ્યક્ત કરી દુ:ખની લાગણી
અમદાવાદ, તા.18: મોરબી જિલ્લાના ટંકારા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર લલિત કગથરાના પુત્ર વિશાલનું પશ્ચિમ બંગાળના બહેરામપુરમાં બસ અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું છે. આ ઘટના અંગે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ દુ:ખની લાગણી વ્યક્ત કરી છે. તેમણે પશ્ચિમ બંગાળમાં થયેલા માર્ગ અકસ્માતની વિગત પણ લલિતભાઇના ભત્રીજા જયેશભાઇ પાસેથી ટેલિફેન દ્વારા મેળવી હતી અને ત્યાંના સ્થાનિક પ્રશાસન સાથે સંપર્કમાં રહી પોસ્ટમોર્ટમ કરી મૃતદેહ પરત લાવવા પણ વાત કરી છે. આ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા પક્ષના નેતા પરેશ ધાનાણીએ  પણ લલિતભાઇ કગથરાના પરિવાર પર આવી પડેલી દુ:ખદ ઘટના અંગે ઘેરા શોકની લાગણી  વ્યક્ત કરી તેમના પરિવારને સાંત્વના પાઠવી છે.
ધારાસભ્ય લલિત કગથરાનો પરિવાર પશ્ચિમ બંગાળમાં દિવ્યાંગ બાળકોને પ્રવાસે લઈ ગયા હતા ત્યારે તેમની વોલ્વો બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો.  ગઇકાલે તેઓએ કોલકત્તાથી ફ્લાઇટની ટિકિટ લીધી હતી પણ તેમને ફ્લાઇટ મિસ થઇ ગઇ હતી એટલે તેઓ બાય રોડ વોલ્વો બસમાં બહેરામપુરા આવવા નીકળ્યા હતા. આ દરમિયાન શીલીગુડી થી બહેરામપુરા વચ્ચે બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં ધારાસભ્ય લલિત કગથરાનાં પત્ની, પુત્રવધૂ અને બીજા પુત્ર રવિને સામાન્ય ઇજા થવા પામી હતી જ્યારે પુત્ર વિશાલનું મૃત્યુ નિપજ્યું હતું. યુવાન  પુત્રનું મૃત્યુ નિપજતા કગથરા પરિવાર ઉપરાંત મોરબી-ટંકારા અને ખાસ કરીને પાટીદાર સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
વિશાલ કગથરા વોલ્વો બસમાં બારીની બાજુએ બેઠા હતા અને પોતાનું માથુ બારીની બહાર રાખ્યું હતું ત્યારે બાજુમાંથી અચાનક  ટ્રક પસાર થતાં તેમનું માથુ ટ્રક સાથે અથડાયું હતું. ટ્રકની ટક્કરથી તેઓને ગંભીર ઇજા થવા પામી હતી, જેના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અકસ્માત એટલો ભયંકર હતો કે લકઝરી બસનો એક બાજુનો ભાગ સાવ ભુક્કો થઇ ગયો હતો. અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. જ્યારે સ્થાનિક લોકોએ બચાવ કામગારી કરી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટનાને પગલે ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા પશ્ચિમ બંગાળના કોંગ્રેસના નેતાઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને સમગ્ર ઘટનાની તેમને જાણ કરવામાં આવી હતી. જેથી પશ્ચિમ બંગાળના કોંગ્રેસના નેતાઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
અહીં નોંધવુ ઘટે કે, આ પૂર્વે પણ સૌરાષ્ટ્રના દિગ્ગજ પાટીદાર નેતા વિઠ્ઠલભાઇ રાદડિયાના પુત્રનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું હતું તો આજે ફરી એક સૌરાષ્ટ્રના નેતા, ધારાસભ્ય અને રાજકોટ બેઠકના લોકસભાના ઉમેદવાર લલિત કગથરાના પુત્રના મૃત્યુના સમાચારથી સૌરાષ્ટ્રમાં શોક છવાયો છે.
વિશાલે બારીની બહાર માથું
ન કાઢ્યું હોત તો બચી જાત
જાણવા મળ્યા મુજબ, વિશાલ કગથરા બસમાં બારી પાસે બેઠા હતા અને બારીની બહાર માથું કાઢ્યું હતું. એવામાં બાજુમાંથી પૂરપાટ ઝડપે ટ્રક પસાર થઈ ગયો હતો અને વિશાલને માથામાં અતિગંભીર ઈજા થઈ હતી. બસનું પડખું પણ ચિરાઈ ગયું હતું. જો વિશાલે બારીની બહાર માથું ન રાખ્યું હોત તો બચી જાત.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer