ચૂંટણીપંચમાં મતભેદો સપાટી પર

ચૂંટણીપંચમાં મતભેદો સપાટી પર
મોદીને કલીનચીટથી નારાજ ચૂંટણી કમિશનર લવાસાએ પંચમાં ભિન્ન અભિપ્રાય રેકોર્ડમાં રાખવાની માગ કરી
સી.ઇ.સી. અરોડાએ કહ્યું, દરેક સભ્યનો સમાન સૂર જરૂરી નથી: આ હેવાલો ઘૃણાસ્પદ: કોંગ્રેસનું મોદી પર નિશાન
નવી દિલ્હી, તા. 18 :   લોકસભા ચૂંટણી અંતિમ પડાવ ભણી છે ત્યારે જ ચૂંટણીપંચમાં પણ મતભેદો સપાટી પર આવી જતાં રાજકીય ગરમી પણ વધી  ગઇ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી કમિશનર અશોક લવાસાએ મુખ્ય ચૂંટણી કમિશનર (સી.ઈ.સી.)સુનીલ અરોડાને પત્ર લખીને એવી માંગ કરી છે કે પંચના નિર્ણયોમાં કમિશનરો વચ્ચેના મતભેદોને પણ સત્તાવાર રેકોર્ડમાં સામેલ કરવામાં આવે. અને જ્યાં સુધી આ રીતની વ્યવસ્થા અમલી નહીં બને ત્યાં સુધી તેઓ ચૂંટણીપંચની બેઠકોમાં સામેલ થશે નહીં. લવાસાના પત્ર બાદ ચૂંટણી પંચમાં મતભેદને લઈને મંગળવારે એક બેઠક બોલાવવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, લવાસા આચારસંહિતા ઉલ્લંઘનના મામલાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહને સીધી અને સતત ક્લીનચીટ તથા વિપક્ષી નેતાઓને નોટિસોની વિરુદ્ધ છે. દરમ્યાન સી.ઈ.સી.એ આજે એક નિવેદન જારી કરીને આ હેવાલોને ઘૃણાજનક અને ટાળી શકાય એવા ગણાવીને કહ્યું હતું કે એ જરૂરી નથી કે આયોગના  દરેક સભ્યનો વિચાર સમાન હોય. તેમને જાહેર ચર્ચાનો ક્યારેય વાંધો નથી પણ દરેક બાબતનો એક સમય      હોય છે.
આ પત્રને લઇને કોંગ્રેસે પણ મોદી સરકાર પર હુમલો કરવાની તક ઝડપી લીધી. કોંગ્રેસ પ્રવકતા રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે, ચૂંટણીપંચ નરેન્દ્ર મોદીના ‘િપઠૂ’ની જેમ કામ કરે છે.
અરોડાએ જણાવ્યું હતું કે પંચની 14મી મેના મળેલી છેલ્લી બેઠકમાં સર્વાનુમતે એવો નિર્ણય લેવાયો હતો કે લોકસભા ચૂંટણીમાં આચારસંહિતાને લઈને ઉદ્ભવેલા મુદ્ઓની ચર્ચાવિચારણા માટે જૂથો રચવામાં આવશે. ચૂંટણીપંચ લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા અને મતગણતરી માટે તૈયાર થઈ રહ્યું છે ત્યારે જ આચારસંહિતાને લગતી બાબતોમાં ભાગ નહીં લેવાના લવાસાના નિર્ણયના હેવાલો બહાર આવ્યા છે.
કેન્દ્રીય ચૂંટણીપંચના સભ્યો એક જ સૂર દર્શાવે એ જરૂરી નથી અને ભૂતકાળમાં પણ ચૂંટણી આયોગમાં મતભેદો કે વિચારોમાં વૈવિધ્ય જોવા મળ્યું છે અને એવું થવું પણ જોઈએ. પણ એ સભ્યના અલગ અભિપ્રાયનો મામલો  તેની નિવૃત્તિ સુધી પંચની અંદર જ રહે છે.
લવાસાએ પત્રમાં લખ્યું છે કે કોઈ કમિશનર અલગ અભિપ્રાય આપે તો સુપ્રીમ કોર્ટની જેમ તેને પણ સત્તાવાર રેકોર્ડમાં રાખવામાં આવે. સૂત્રોને ટાંકીને મીડિયા હેવાલોમાં જણાવાયું છે કે ચૂંટણીપંચ દ્વારા વડાપ્રધાનને સીધેસીધી અને સતત ક્લીનચીટ આપવાને લઈને લવાસા નારાજ છે. મોદી અને અમિત શાહ પર પોતાના પ્રવચનોમાં સેનાની સર્જિકલ સ્ટ્રાઈક સહિતના મુદ્ઓ ઊઠાવીને આચારસંહિતા ભંગ કરવાના આરોપો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer