ભાજપ વિરોધી મોરચા માટે વિપક્ષી નેતાઓને મળતા નાયડુ

ભાજપ વિરોધી મોરચા માટે વિપક્ષી નેતાઓને મળતા નાયડુ
રાહુલને મળ્યા બાદ અખિલેશ યાદવ અને માયાવતી સાથે બેઠક કરી
નવી દિલ્હી, તા.18 : તેલુગુ દેશમ પાર્ટીના વડા ચંદ્રાબાબુ નાયડુ આજે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને મળ્યાં હતાં અને ચૂંટણીના પરિણામો બહાર પડે પછી ભાજપને સત્તાની બહાર રાખવા માટે ભાજપ-વિરોધી મોરચો રચવા માટે ચર્ચા કરી હતી. બાદમાં તેઓ સપાના અખિલેશ યાદવને પણ મળ્યાં હતાં અને માયાવતી સાથે પણ મુલાકાત કરી હતી.
ભાજપ-વિરોધી મોરચો ઉભો કરવાની મથામણ કરતા ચંદ્રાબાબુ રાહુલ ગાંધીને મળ્યાં પહેલા સામ્યવાદી નેતાઓ સુધાકર રેડ્ડી અને ડી.રાજાને મળ્યાં હતાં. તેઓ એનસીપીના નેતા શરદ પવાર અને એલજેડીના નેતા શરદ યાદવને પણ મળવાના છે.
તેઓ લખનૌ ખાતે માયાવતી અને અખિલેશ યાદવ સાથે પણ આજે મોડેથી મુલાકાત કરી હતી. રાહુલ ગાંધી સાથે એક કલાકની ચર્ચા દરમિયાન તેમણે લોકસભાની ચૂંટણીના પરિણામો 23 મેએ જાહેર થાય તે પછી ભાજપની વિરૂધ્ધમાં રહેલા તમામ પક્ષોને એકસાથે જોડવાના માળખાની ચર્ચા કરી હતી. જો ભાજપને તૂટતી સંખ્યામાં બેઠકો ન મળે તો સરકાર રચવાનો દાવો કરવા તૈયાર રહેવા તેમણે રાહુલ ગાંધીને જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer