કેદારનાથના શરણે મોદી

કેદારનાથના શરણે મોદી
શિવ પૂજા, રૂદ્રાભિષેક બાદ રાતભર ધ્યાનમાં મગ્ન બન્યા વડાપ્રધાન મોદી : આજે સવારે કરશે બદ્રીનાથના દર્શન
નવી દિલ્હી, તા. 18 : અંદાજીત દોઢ મહિના સુધી ચૂંટણી પ્રચારની ભાગદોડ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કેદારનાથ પહોંચ્યા હતા. કેદારનાથ ધામમાં પૂજા બાદ વડાપ્રધાન મોદી બે કિલોમીટર ચાલીને એક ગુફા સુધી પહોંચ્યા હતા અને આ ગુફામાં જ રવિવાર સુધી ધ્યાન-સાધના કરી હતી. ત્યાર બાદ રવિવારે મોદી બદ્રીનાથના દર્શન કરવા જશે. ગુફામાં પ્રવેશ બાદ  મીડિયા કે કર્મચારીને પ્રવેશ કરવાની મનાઈ ફરમાવવામાં આવી હતી.
વડાપ્રધાન મોદી શનિવારે પારંપરિક પહાડી પરિધાનમાં વિશ્વપ્રસિદ્ધ કેદારનાથ ધામ પહોંચ્યા હતા. છેલ્લા બે વર્ષમાં ચોથી વખત કેદારનાથ પહોંચેલા મોદીએ ભગવાન શિવની પૂજા અર્ચના અને રૂદ્રાભિષેક કર્યો હતો. ત્યાર બાદ મંદિરની પરિક્રમા કરી હતી અને બરફ છવાયેલા પહાડના શિખરોને નિહાળ્યા હતા. મુલાકાત દરમિયાન મોદીએ કેદારનાથમાં પુનર્નિમાણ કામગીરીની સમીક્ષા પણ કરી હતી. જેમાં ઉત્તરાખંડના મુખ્ય સચિવ ઉત્પો કુમાર સિંહે મોદીને પુનર્નિર્માણ કાર્યની વિગતો સંક્ષિપ્તમાં કહી હતી. પ્રદેશ પોલીસ મહાનિર્દેશક અશોક કુમારે કહ્યું હતું કે, વડાપ્રધાન મોદીની મુલાકાતને પગલે પુરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ અજય ભટ્ટે કહ્યું હતું કે,  વડાપ્રધાન મોદી બે દિવસના ઉત્તરાખંડ પ્રવાસ માટે જોલીગ્રાંટ હવાઈઅડ્ડે પહોંચ્યા હતા. જ્યાં ઉત્તરાખંડના રાજ્યપાલ બેબી રાની મોર્ય અને મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવતે સ્વાગત કર્યું હતું. કેદારનાથની ગુફામાં રાતભર સાધના કર્યા બાદ રવિવારે સવારે મોદી બદ્રીનાથના દર્શન કરશે અને ત્યારબાદ દિલ્હી જવા રવાના થઈ જશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષે દાવો કર્યો હતો કે મોદીની ઉત્તરાખંડ મુલાકાત પુરી રીતે આધ્યાત્મિક છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer