દ્વારકા : જીવિત મહિલાનો નકલી મૃત્યુ દાખલો કઢાવનાર પતિ સામે રાવ

અન્ય શખસો સામે કાર્યવાહી થશે?
ખંભાળિયા, તા.18 : દ્વારકામાં રહેતા એક જીવિત મહિલાનું બોગસ મરણનો દાખલો કઢાવીને છેતરપિંડી કરવા સબબ અંતે માત્ર પતિ સામે જ હાલ ગુનો નોંધાયો છે.
આ બનાવની વિગત મુજબ દ્વારકામાં રહેતા નાયાભાઇ સનાભાઇ ચાનપા નામના શખસે પોતાના અંગત ફાયદા માટે પોતાની જીવિત પત્ની રૂડીબેન (ઉ.50) ને મૃત જાહેર કરી નગરપાલિકાના સબ રજીસ્ટ્રારના ખોટા સહી તથા સિક્કાઓ કરી, રૂડીબેનનો મરણનો દાખલો તૈયાર કરાવ્યો હતો.
આમ, પોતાની હયાત પત્નીનું ખોટું રેકર્ડ ઉભુ કરી, બનાવટી દસ્તાવેજો મારફતે તેમનું ડેથ સર્ટીફિકેટ બનાવીને નાયાભાઇ ચાનપાએ આ સર્ટી દ્વારકાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં આપ્યું હતું. આથી બેંક સત્તાવાળાઓએ રૂડીબેનનું નામ જોઇન્ટ એકાઉન્ટમાંથી રદ્દ કરી દીધું હતું અને તેણીના પતિએ તેમના ખાતામાંથી રૂા.8,500/- ઉપાડી લીધા હતાં.
આમ, બનાવટી દસ્તાવેજો અને બોગસ ડેથ સર્ટી.ના આધારે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા સબબ રૂડીબેનની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે તેમના પતિ નાયાભાઇ ચાનપા સામે ધોરણસરની કાર્યવાહી કરી છે. આ ચકચારી પ્રકરણમાં અન્ય શખસો પણ સંડોવાયેલા છે કે કેમ? તે મહત્ત્વની દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન
કર્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer