જૂનાગઢમાં પાંચ કારખાના-એક મકાનમાંથી 2.42 લાખની ચોરી

જૂનાગઢ, તા.18: જૂનાગઢમાં તસ્કરોએ માથું ઉચક્યું હોય તેમ ગતરાત્રે સરગવાડામાં પાંચ કારખાના અને એક રહેણાક મકાનમાં ત્રાટકી રૂ.2 લાખ 42 હજારના મુદ્દામાલની ચોરી કરી લઈ જતા વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે.
જૂનાગઢની ભાગોળે આવેલ સરગવાડામાં ગતરાત્રે તસ્કરોએ ઢળતી રાત્રે ત્રાટક્યા હતા. તેમાં જૈદ કાસમ પતાણીના પ્લાસ્ટિકના કારખાનામાંથી રૂ.1 લાખ 90 હજાર રોકડા તેમજ અન્ય ચાર કારખાનાઓમાંથી રૂ. 42 હજાર રોકડાની ચોરી કરી હતી.
તેમજ આ વિસ્તારમાં રહેતા મનસુખભાઈ મંગાભાઈ રાઠોડનાં ઘરે લગ્ન પ્રસંગ હોય, જ્ઞાતિના રીવાજ પ્રમાણે જાન લઈ જઈએ ત્યારે ઘર ખુલ્લું રાખવાનું હોય તેથી ઘરને ખુલ્લું રાખેલ તેમાં તસ્કરોએ ત્રાટકી સોનાની બૂટી નંગ 2 કિંમત રૂ. 10,000ની ચોરી લઈ ગયા હતા.
સરગવાડા રોડ ઉપર એક ફેબ્રિકેશનની દુકાન ઢળતી રાતે ખુલ્લી હતી. આ દુકાનદારે તસ્કરોને પડકારતા તેઓ પાસે હથિયાર હોવાથી સામનો થઈ શક્યો ન હતો. પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ચાર તસ્કરો સ્કોર્પિયો કારમાં આવ્યા હતા. તે સરગવાડા રોડ ઉપર ઉતારી કાર ચાલી ગઈ હતી. બાદમાં તસ્કરોએ પોતાનું કામ પાર પાડયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer