વાંકાનેર : 45 મિનિટ બંધ રહેલા મકાનમાંથી 17.50 લાખની મતા ચોરાઇ

વ્હોરા પરિવાર રોઝુ ખોલવા મસ્જિદે ગયો ને તસ્કરો ત્રાટક્યા
બે લાખ રોકડ અને 15 લાખના ઘરેણાં લઇ ટોળકી ફરાર
વાંકાનેર, તા.18 : વાંકાનેરની જોષીફળી-વોરાવાડ શેરીમાં ગઇ સાંજે વ્હોરા પરિવારનાં બંધ મકાનમાં તાળા તોડી ઘરના કબાટના લોકર તોડી, તેમાં રાખેલ સોનાના ઘરેણા અને બે લાખની રોકડ મળી સતર લાખ પચ્ચાસ હજારની માલમતા ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસ દફ્તરે નોંધાઇ છે.
શહેર પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેરની જોષીફળી-વોરાવાડ શેરી નં.3માં રહેતા ફખરી ટીમ્બર વાળા હુશેનભાઇ મનસુરભાઇ મલકાણીનો પરિવાર રમઝાન માસ હોય સાંજે સવા સાત વાગ્યે સહ પરિવાર ઘરને તાળા મારી રોઝુ ખોલવા મસ્જિદે ગયા હતાં અને પોણી કલાકમાં એટલે આઠ વાગ્યે પરત આવતા ઘરની ડેલી ઉપર અને ઓસરીના ડોર ઉપર મારેલા તાળા તૂટેલા જોવા મળેલ સાથે મકાનના બન્ને રૂમમાં લાકડાના કબાટો ખુલ્લા અને લોકરો તૂટલા તેમજ વસ્તુઓ વેર વીખેર જોવા મળી હતી. લોકરમાં રાખેલ આશરે 621 ગ્રામના સોનાના ઘરેણા અને રૂા. બે લાખ રોકડાની ચોરી થઇ ગયાનું જણાતા તુરત શહેર પોલીસને જાણ કરતા પી.આઇ.ઝાલા સ્ટાફ સાથે દોડી ગયાં હતાં અને સ્થળ નિરીક્ષણ કરી તપાસ શરૂ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer