વાહનો રોડ અને ફૂટપાથ ઉપર ન રાખવા ઓટોબ્રોકરને પોલીસની તાકીદ

વાહનો રોડ અને ફૂટપાથ ઉપર ન રાખવા ઓટોબ્રોકરને પોલીસની તાકીદ
રાજકોટ, તા. 17:  ઓટો બ્રોકર્સ, કન્સલટન્ટ અને ઓટોફેરના આયોજકો સાથેની બેઠકમાં વાહનો રસ્તા અને ફુટપાથ ઉપર ન રાખવા પોલીસે તાકીદે કરી હતી.
ટ્રાફિકની સમસ્યાના સંદર્ભમાં નાયબ પોલીસ કમિશનર મનોહરસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને શહેરમાં ફોર વ્હીલર્સ અને ટુ વ્હીલર્સના વિક્રેતાઓ, ઓટો કન્સલટન્ટ અને ઓટો ફેરના આયોજકની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં વેપારીઓ તેના ધંધાના સ્થળની બહાર વાહનો રસ્તા અને ફુટપાથ પર વેચાણ અર્થે મૂકે છે તે બંધ કરવા તાકીદ કરવામાં આવી હતી. આ ઉપરાંત ટુ વ્હીલર્સના વિક્રેતા વાહનની સાથે હેલ્મેટ ગ્રાહકોને આપતા નથી તે પ્રથા બંધ કરવા જણાવાયું હતું. ફોર વ્હીલના વિક્રેતાઓ તેના કર્મચારીઓ અને ગ્રાહકોના વાહનો શો રૂમની બહાર પાર્ક કરાવીને રસ્તા, ફુટપાથ અને કોર્પોરેશનની જગ્યા વાપરે છે તે બંધ કરી દેવા જણાવાયું હતું. રસ્તા, ફુટપાથ વાપરવાનું બંધ કરવામાં આવે તો વાહન વ્યવહારને થતી અસર, ગ્રાહકો અને રાહદારીઓને ચાલવામાં થતી મુશ્કેલીઓનું નિરાકરણ આવી શકે તેમ છે. વેપારીઓ રસ્તા અને ફુટપાથનો ઉપયોગ બંધ ન કરે તો વાહનો ડિટેઇન કરવા કે અન્ય કોઇ કાર્યવાહી હાથ ધરવાની પોલીસને ફરજ પડશે. પોલીસને કાર્યવાહી ન કરવી પડે અને વેપારીઓની પ્રતિષ્ઠા જળવાઇ રહે  તે બાબતે સમજ આપવામાં આવી હતી. આ બેઠકમાં શહેરના 115 જેટલા વિક્રેતા, ઓટોબ્રોકર્સ અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતાં અને તેમના સૂચનો રજુ કર્યા હતાં તેમ મદદનીશ પોલીસ કમિશનર બી.એ.ચાવડાની યાદીમાં જણાવાયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer