જાહેરમાં થૂંકનારા 9 વાહનમાલિક દંડાયા, કોર્પોરેશને મોકલ્યો ઈ-મેમે

જાહેરમાં થૂંકનારા 9 વાહનમાલિક દંડાયા, કોર્પોરેશને મોકલ્યો ઈ-મેમે
પાન-માવા કે ફાકીની પિચકારી મારતાં પ્રથમ વખત પકડાય તો રૂ.250 બીજી વખત રૂ.500 અને બેથી વધુ વખત પકડાય તો રૂ.750નો દંડ
રાજકોટ તા. 17 : શહેરમાં જાહેરમાર્ગો, જોવાલાયક સ્થળો, બાગ-બગીચા વગેરે સ્થળોએ સંપુર્ણ સ્વચ્છતા જળવાઇ રહે તેમજ સ્વચ્છતા બાબતે જાહેર જનતામાં જાગૃતિ આવે તેવા શુભ આશયથી મ્યુનિ.કમિશનર બંછાનીધિ પાનીએ નાગરિકો તેમજ શહેરની મુલાકાતે આવતા તમામ લોકો જોગ એક જાહેરનામાં દ્વારા પાન-માવા- ફાકી-ગુટખાનું સેવન કરી જાહેરમાં ચાલુ વાહને થૂંકવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે ત્યારે જાહેરમાં થૂંકનારા અને સીસીટીવી કેમેરાની નજરમાં કેદ થયેલા કુલ 9 વાહનચાલકોને આજે પ્રથમ દિવસે ઈ-મેમો મોકલવામાં આવ્યો હતો.
કમિશનરના જણાવ્યાનુસાર જાહેર સ્થળ પર થૂંકનારા વાહન માલિક સી.સી.ટી.વી. કેમેરામાં તસવીર સાથે જોવા મળ્યાં હતાં અને તેમના વાહન નંબર દ્વારા માલિકનું નામ અને સરનામું મેળવી તેમના ઘરે ઈ-મેમો મોકલવામાં આવ્યાં હતાં. આજરોજ કે.કે.વી. ચોકથી 1, નાનામવા સર્કલથી 1, કાન્તા સ્ત્રી વિકાસ ચોકથી 3 અને ઢેબર ચોકથી 4 વાહન માલિકોને ઈ-મેમો મોકવામાં આવ્યાં છે.
કમિશનરે ઉમેર્યુ હતું કે, હાલમાં શહેરમાં જુદા-જુદાં સ્થળોએ સી.સી.ટી.વી. કેમેરા રાખવામાં આવ્યાં છે જેનું મોનીટરીંગ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર ખાતે કરવામાં આવે છે. ટેકનોલોજીનો ઉપયોગ સારી રીતે થાય અને લોકોમાં જાગૃતિ આવે તે માટે હવેથી ચાલુ કારે, ચાલુ બાઇક કે કોઇ પણ ચાલુ વાહન પરથી જાહેર રસ્તા કે જાહેર સ્થળ પર થૂંકનારા કે પાન-માવા-ફાકીની પિચકારી મારનાર કે ગુટકાનો ચોળેલો મસાલો કે અન્ય કચરો ફેકનાર કોઇ પણ નાગરીક સી.સી.ટી.વી કેમેરામાં ઝડપાશે તો તેના ઉપરથી વાહનના માલિકને તેમના ઘરે પ્રથમ વખત રૂ.250/- તથા બીજી વખત રૂ.500/- તથા બે વખતથી વધારે રૂ.750/- નો ઇ-મેમો મોકલવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઈ-મેમોની રકમ વાહન માલિકોએ 7 દિવસમાં નજીકની વોર્ડ ઓફિસ કે સીવીક સેન્ટર ખાતે ભરપાઈ કરવાની રહેશે. જો આ રકમ ભરપાઈ કરવામાં ન આવે તો સેનેટરી ઈન્સપેક્ટર મારફત રૂ.1000ની રકમ રૂબરૂ વસૂલ કરવામાં આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer