જેતપુરની મધર કેર હોસ્પિટલના તબીબની ધરપકડ

જેતપુરની મધર કેર હોસ્પિટલના તબીબની ધરપકડ
સારવારમાં બેદરકારી દાખવતાં મહિલાને કાયમી ખોટ રહી ગઇ’તી

જેતપુર, તા. 17: સારવારમાં બેદરકારી દાખવીને મહિલાને કાયમી ખોટ રહી જાય તેવી સ્થિતિ ઉભી કરવાના આરોપસર મધર કેર હોસ્પિટલના તબીબ ડૉ. રૂચીક નગીનદાસ  સરવૈયાની પોલીસે ધરપકડ કરી હતી.
અહીના ધોરાજી રોડ પર ગુજરાતી વાડી વિસ્તારમાં રહેતી કાજલબહેન ચંદુભાઇ ચુડાસમા નામની  સગર્ભા મહિલા ડૉ. રૂચીક સરવૈયાની મધર કેર હોસ્પિટલ અને આઇવીએફ સેન્ટરમાં દાખલ થઇ હતી. તા. 2-2-ના રોજ તેની પ્રસૂતિ થઇ હતી. પ્રસૂતિના સવા મહિના બાદ પણ તેને બ્લીડીંગ થતુ હતું. ગર્ભાશયમાં બગાડ રહી ગયાનું જણાવીને ઓપરેશન કરવું પડશે તેમ તબીબે જણાવ્યું હતું. ઓપરેશનમાં દાખવવામાં આવેલી બેદરકારીના કારણે કાજલબહેનનું આંતરડુ બહાર નિકળી ગયું હતું. બાદમાં તેને જૂનાગઢની હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં કાજલબહેનનું બગડી ગયેલુ આંતરડુ અને ગર્ભાશય કાઢી નાખવું પડયું હતું. આ રીતે તેને કાયમી ખોટ રહી ગઇ હતી.  આ બનાવ અંગે થયેલી ફરિયાદના સંદર્ભમાં પીએસઆઇ પટેલે મધર કેર હોસ્પિટલના તબીબ ડૉ. રૂચીક નગીનદાસ સરવૈયાની ધરપકડ કરી હતી. આ તબીબના પિતા નગીનદાસ સરવૈયા પણ તબીબ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer