કાયદો કડક નથી પરિણામે ચંદન ચોર છટકી જાય છે

કાયદો કડક નથી પરિણામે ચંદન ચોર છટકી જાય છે
ગિરનારના ચંદનના વધુ નાણા મળે છે એટલે અહીં ચોરી થાય છે

જૂનાગઢ, તા.17 : ગિરનાર જંગલ અને આસપાસના વિસ્તારમાં છેલ્લા બે વર્ષમાં ચંદનના વૃક્ષના કટીંગના છ બનાવો નોંધાયા છે. તેમાં મધ્યપ્રદેશની ટોળકી બે-બે વખત પકડાઇ છે. પણ કાયદાની છટકબારીને કારણે જામીન ઉપર છૂટી, કોર્ટની મુદ્દતમાં હાજર રહેતા નથી. તેથી ચંદનચોરી અટકાવવા કાયદો કડક બનાવવો જરૂરી છે. ગિરનાર જંગલમાં વન્ય સંપદામાં એક ટકા ચંદનના વૃક્ષો છે. બજારમાં ચંદનનો સરેરાશ કિલોના ભાવ રૂા.3500 થી 4000 જેવો હોય છે. જો કે ચંદનના પ્રકાર અનેક છે. તેમાં બ્લેક ચંદન સહિતનો સમાવેશ થાય છે. ગિરનાર  પર્વતનું ચંદન કિંમતી ગણાય છે. અને બજારમાં ભાવ વધારે ઉપજે છે.
જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના કોઠારી મહંત સ્વામીએ જણાવેલ કે, ઉનાળામાં દેવો માટે ચંદનનો શ્રૃંગાર કરાય છે. તે માટે મહારાષ્ટ્રથી ચંદન મંગાવવામાં આવે છે. તાજેતરમાં મહારાષ્ટ્રમાંથી મધ્યમકક્ષાનું રૂા.3500ના કિલોના ભાવે ચંદન મંગાવ્યું હતું.
જ્યારે એ.સી.એફ ખટાણાએ જણાવ્યું કે ગિરનાર જંગલના દક્ષિણ રેન્જમાં ચંદનના વૃક્ષોનું પ્રમાણ વન્ય સંપદાનો એક ટકો છે. અને કુદરતી રીતે ઉગે છે. આ વૃક્ષો કિંમતી હોય છે. તેથી મધ્યપ્રદેશની ટોળકીની નજરે ચડયા છે. છેલ્લા બે વર્ષમાં છ વખત ચંદનના વૃક્ષોનું મધ્યપ્રદેશની ગેંગે કટીંગ કર્યું છે. તેમાં બે વખત આ ટોળકીને પકડીપાડવામાં આવી છે. ત્રીજી વખત ઓળખ થઇ છે. દસ આરોપીમાંથી ફોટા દ્વારા ઓળખાયેલા અગાઉ પકડાયા છે. અને એક વખત વનતંત્રને ચકમો આપી નાસી પણ ગયા હતાં. એક વર્ષ પહેલા આરોપીઓને અદાલતે જામીન ઉપર મુક્ત કર્યા હતાં. ત્યાર બાદ એકપણ વખત મુદ્દતમાં હાજર રહતા નથી અને તેઓના જામીન મધ્યપ્રદેશના હોવાથી તેઓ મળતા નથી.
તેમણે ઉમેર્યું કે, ચંદનના વૃક્ષ કટીંગમાં સાત વર્ષની સજાની જોગવાઇ છે. તેથી અદાલતે જામીન આપવા પડે છે. તેમાં કોઇ અટકાવી શકે નહીં. પરિણામે આ ટોળકી વારંવાર ચંદનના વૃક્ષ કટીંગની હિંમત કરે છે. પકડાય તે પણ જામીન ઉપર છૂટી શકાય છે. તેથી આ મુદ્દે કાયદો કડક બનાવવો જરૂરી છે. આરોપીઓ ચંદનના લાકડા લઇ નાસી જાય છે. પણ તેમના બાળકો અને મહિલાઓ શા માટે જૂનાગઢમાં ધામા નાખે છે? તેના જવાબમાં જણાવ્યું કે  આ લોકોનું કામ ચોરી, લૂંટ, શિકાર કરવાનું છે. પુરુષો રેકી કરે છે. આમ મધ્યપ્રદેશની ચંદનચોર ટોળકીમાં પુરુષો અને મહિલાઓ ગુનાખોરીના રવાડે ચડેલ છે. બાર મહિલાઓ પાસેથી મળેલ મુદ્દામાલ જ સાબિત કરી બતાવે છે. નાસ છૂટેલ આરોપી સૌરાષ્ટ્ર-ગુજરાતમાં હોવાની શંકા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer