જામનગરમાં ધારાસભ્ય દ્વારા ટી.વી. ચેનલના એન્કર સામે માનહાનીનો દાવો

જામનગરમાં ધારાસભ્ય દ્વારા ટી.વી. ચેનલના એન્કર સામે માનહાનીનો દાવો
જામનગર, તા.17 : જામનગરના પૂર્વ સંસદસભ્ય ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમે ગયા મહિને યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર વિરૂધ્ધ, પક્ષ વિરૂધ્ધ પ્રચાર કર્યાના આરોપ સાથે ઈલેકટ્રોનિક મીડિયાની એક ચેનલના એન્કરે યુ-ટયુબ પર અહેવાલ મૂકયા પછી વિક્રમ માડમે પોતાની બદનક્ષી કરવા અંગે નોટિસ પાઠવી હતી. તે અનુસંધાને  રૂા.51 કરોડના બદનક્ષીના દાવાના તમામ હક્ક અબાધીત રાખી તેઓએ જામનગરની કોર્ટમાં એન્કર સામે આજે ફરિયાદ નોંધાવી છે.
જાહેર જીવનમાં સદાય કોંગ્રેસમાં કાર્યરત રહેલા વિક્રમ માડમ આ વખતની લોકસભાની ચૂંટણીમાં જામનગર દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોંગ્રેસના ઉમેદવાર મૂળુભાઈ કંડોરિયાના પ્રચાર દરમિયાન કોંગ્રેસ પક્ષ વિરોધી પ્રચારમાં રહ્યા હોવાની રજૂઆત સાથે થોડાં દિવસો પહેલાં વીટીવી ગુજરાતી ન્યુઝ ચેનલના એન્કર જનક સુતરિયાએ એક અહેવાલ યુ-ટયુબ પર વાયરલ કર્યો હતો તે અહેવાલમાં જામનગરમાં કોંગ્રેસ જ કોંગ્રેસને હરાવશે..? તેવું ટાઈટલ મૂકવામાં આવ્યું હતું.
આ અહેવાલ વિક્રમ માડમના ધ્યાનમાં આવ્યા પછી તેમણે એન્કર જનક સુતરિયાને પોતાના અહેવાલની યથાર્થતા સાબિત કરવા માટે પડકાર ફેંકતી નોટિસ મોકલી હતી.
નોટિસ પછી પણ એન્કર દ્વારા પુરાવા સ્વરૂપે કોઈ ઓડિયો કે વીડિયો રજૂ કરવામાં નહીં આવતા વિક્રમ માડમે તેઓના રાજકીય હરીફોના ઈશારાથી પોતાની બદનક્ષી થાય તે પ્રકારના અહેવાલ પ્રસિધ્ધ કરવા અંગે રૂા.51 કરોડનો બદનક્ષીનો દાવો માંડવા માટે એન્કરને નોટિસ પાઠવી હતી. તેનો ટી.વી. એન્કર દ્વારકા પ્રત્યુત્તર પાઠવવાના બદલે દિલગીરી વ્યકત કરવામાં આવી છે તે ગુનાના કબૂલાત સ્વરૂપની છે તેમ ગણી વિક્રમ માડમે પોતાની બદનક્ષીના દાવાના તમામ હક્ક અબાધીત રાખી હાલમાં સીવીલ વેકેશન ચાલતું હોવાથી પાછળથી બદનક્ષીનો દાવો કરવાનું જણાવી જામનગરની ચીફ જયુડિશિયલ કોર્ટમાં આરોપી જનક સુતરિયા સામે કાયદેસર કાર્યવાહી કરવાની ફરિયાદ નોંધાવી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer