MPમાં મોદીએ કહ્યું, અબ કી બાર 300 પાર

MPમાં મોદીએ કહ્યું, અબ કી બાર 300 પાર
પાંચ સેકન્ડ આપીને પાંચ વર્ષની સત્તા સોંપવા જનતા સમક્ષ કરી અપીલ
ખરગૌન, તા. 17 : મધ્યપ્રદેશના ખરગૌનમાં 2019ની લોકસભા ચૂંટણી માટે પોતાની અંતિમ જનસભાને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાતાઓ સમક્ષ પાંચ સેકન્ડ આપીને પાંચ વર્ષની સત્તા સોંપવાની અપીલ કરી હતી. વડાપ્રધાને આતંકવાદ, ગરીબી, કિસાન, વીજળી, મહિલા સશક્તિકરણ, શૌચાલયના મુદ્દે જનતાને સમર્થનની અપીલ કરી હતી અને ‘અબકી બાર 300 પાર’નો આશીર્વાદ માગીને ચૂંટણી અભિયાનને આટોપ્યો હતો.
ખરગૌનમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, 21 સદીના નિર્માતાઓના ઉત્સાહનું પરિણામ છે કે કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કામરુપ સુધી પુરો દેશ અબકી બાર મોદી સરકાર કહી રહ્યો છે. ઘણા તો અબકી બાર 300 પાર પણ કહી રહ્યા છે. મોદીએ કહ્યું હતું કે, લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત મેરઠથી કરી હતી અને હવે છેલ્લી સભા ખરગૌનમાં થઈ રહી છે. ઈતિહાસની નજરે જોઈએ તો બન્ને વિસ્તાર 1857ની ક્રાંતિ સાથે જોડાયેલા હતા. આ દરમિયાન મોદીએ આદિવાસી ક્રાતિકારી ભીમા નાયકનો પણ ઉલ્લેખ કર્યો હતો.  મોદીએ કહ્યું હતું કે, આતંકવાદ અને નક્સલવાદને ખતમ કરવાની પ્રતિબદ્ધતાને ભરપૂર જનસમર્થન મળ્યું છે. આ દેશની ભાવના છે કે આતંકીઓને ઘરમાં ઘુસીને મારવામાં આવે. કોંગ્રેસ સૈનિકો પાસેથી વિશેષાધિકાર છિનવી લેવા અને દેશદ્રોહનો કાયદો ખત્મ કરવાના વિષયો સાથે જનતા વચ્ચે આવ્યો જેને જનતાએ જાકારો આપ્યો હતો. આ સાથે મોદીએ ભાજપ સરકાર દ્વારા થતા કામોનો પણ ઉલ્લેખ કર્યો હતો તેમજ પાંચ વર્ષ સુધી આપેલા સાથ અને આશીર્વાદ માટે જનતાનો આભાર માન્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer