માલેગાંવ ધડાકાના આરોપીઓને દર સપ્તાહે હાજર થવા કોર્ટનું ફરમાન

માલેગાંવ ધડાકાના આરોપીઓને દર સપ્તાહે હાજર થવા કોર્ટનું ફરમાન
સાધ્વી પ્રજ્ઞા સહિતના લોકોની સતત ગેરહાજરીથી નારાજ એનઆઇએ કોર્ટનો આદેશ
નવી દિલ્હી, તા.17 : વર્ષ 2008માં થયેલા માલેગાંવ વિસ્ફોટ કેસની સુનાવણી કરી રહેલી મુંબઈની એનઆઈએ કોર્ટે આજે આરોપીઓની અદાલતમાં ઉપસ્થિતિ ન હોવા સામે નારાજગી દર્શાવી હતી. એનઆઈએ કોર્ટે આદેશ આપ્યો હતો કે માલેગાંવ વિસ્ફોટના તમામ આરોપીઓને સપ્તાહમાં ઓછામાં ઓછા એક વખત કોર્ટમાં હાજર રહેવું પડશે. ઉલ્લેખનીય છે કે ભોપાલથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર અને લેફ્ટિનન્ટ કર્નલ પુરોહિત સહિત અન્ય આ કેસમાં આરોપી છે. કોર્ટે સુનાવણીની આગલી તારીખ 20 મે નિર્ધારિત કરી છે. વર્ષ 2008ના 29 સપ્ટેમ્બરે માલેગાંવમાં બે બોમ્બ ધડાકા થયા હતા જેમાં સાતનાં મોત થયાં હતાં અને આશરે 80ને ઈજા પહોંચી હતી. આ કેસમાં સાધ્વી પ્રજ્ઞા ઠાકુર અને કર્નલ પુરોહિત પર ભારતીય દંડ સંહિતા (આઈપીસી)ની કલમો 120-બી, 302, 307, 304, 326, 427, 153-એ હેઠળ કેસ દર્જ કરવાની સાથે યુએપીએ અને મકોકાની ગંભીર કલમો પણ લગાવવામાં આવી હતી. જોકે બાદમાં સુપ્રીમ કોર્ટે સાધ્વી પ્રજ્ઞાસિંહ અને કર્નલ પુરોહિત પરથી મકોકા હેઠળ લગાવવામાં આવેલા આરોપોને હટાવી દીધા હતા.
સાધ્વી પ્રજ્ઞા ઠાકુર, લેફ્ટિનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત સહિતના 14 લોકો પર બોમ્બ ધડાકા કરવા અને તેના કાવતરાંમાં સામેલ થવાના આરોપ લગાવવામાં આવ્યા હતા. હાલમાં તમામ આરોપી જામીન પર છે. આ કેસની તપાસ શરૂઆતમાં મહારાષ્ટ્રની એટીએસે કરી હતી તે પછી તેને એનઆઈએને સોંપી દેવામાં આવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer