પાક.થી અલગ થવાની કગારે બલૂચિસ્તાન ? સ્થિતિ બેકાબૂ

પાક.થી અલગ થવાની કગારે બલૂચિસ્તાન ? સ્થિતિ બેકાબૂ
પાકિસ્તાની અત્યાચાર અને ચીની રોકાણકારોની વધતી સંખ્યાથી બલૂચ અલગતાવાદીઓમાં વિરોધ પ્રબળ
નવી દિલ્હી, તા. 17 : પાકિસ્તાન ભલે બલૂચિસ્તાન પ્રાંતમાં શાંતિ અને સ્થિરતાનો દાવો કરી રહ્યું હોય પણ અવારનવાર સામે આવી રહેલી હિંસક ઘટનાઓ હાલાતની સાબિતી આપી રહી છે. બલૂચ આંદોલનકારીઓના કહેવા પ્રમાણે સેના દ્વારા સ્થાનિક લોકોના અપહરણ, હેરાનગતિ અને હત્યાઓના કારણે લોકોના મનમાં પાકિસ્તાન વિરોધી ભાવના વધુ પ્રબળ બની છે. આ વિરોધમાં ચીન પાકિસ્તાન કોરિડોર પણ મુખ્ય ભૂમિકામાં છે. કારણ કે આ પ્રોજેક્ટ બાદ બલૂચિસ્તાન પ્રાંતમાં મોટી સંખ્યામાં જવાનો તૈનાત થયા છે જે આંદોલનકારીઓને ખુંચી રહ્યા છે. તેવામાં હવે બલૂચિસ્તાનમાં પરિસ્થિતિ ભારેલા અગ્નિ જેવી બની છે. 2003 બાદ અત્યારસુધીમાં બલૂચિસ્તાનમાં થયેલા આત્મઘાતિ હુમલામાં 817 લોકો મૃત્યુ પામ્યા છે જ્યારે 1600થી વધુ લોકો ઘાયલ થયા છે. બીજી તરફ પાકિસ્તાન આ તમામ આંદોલનને દબાવવામાં નિષ્ફળ બન્યું છે. બલૂચિસ્તાન પાકિસ્તાનનો સૌથી મોટો અને સૌથી ઓછી આબાદી ધરાવતો વિસ્તાર છે અને પ્રાકૃતિક ગેસ ભંડાર અને ખનિજ મામલે ખૂબ જ સમૃદ્ધ છે. બલૂચિસ્તાન 60 અબજ ડોલરના ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરનું પણ મુખ્ય બિંદૂ છે. આ વિસ્તારમાં  ગ્વાદર બંદર સહિત મહત્વના વિસ્તારોમાં માર્ગો પાથરવામાં આવી રહ્યા છે. પરંતુ છેલ્લા અમુક વર્ષથી બલૂચ અલગતાવાદી, પાકિસ્તાન તાલિબાન અને આઈએસઆઈએસના સ્થાનિક સમૂહ સતત હિંસાની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. બલૂચિસ્તાનમાં પશ્તૂનોના ગઢ ઉત્તરી વિસ્તારમાં સુરક્ષા દળો ઉપર સતત હુમલા થઈ રહ્યા છે. ધાર્મિક સમૂહો ઉપર પ્રતિબંધના પણ રિપોર્ટ સામે આવ્યા છે. 2014માં પેશાવરની આર્મી સ્કૂલમાં હુમલા બાદ પાકિસ્તાની સરકારે આતંકવાદ અને ચરમપંથ સામે લડવા એનએપી બ્લૂપ્રિન્ટ તૈયાર કરી હતી. બલૂચિસ્તાનમાં વધતા સંઘર્ષમાં સીપીઈએસની પણ ભૂમિકા છે. બલૂચિસ્તાન આઝાદીની માગણી કરે છે અને સ્થાનિક સંસાધનો ઉપર હકની માગણી કરે છે. તેવામાં ચીની રોકાણના કારણે અલગતાવાદીઓમાં રાષ્ટ્રવાદની ભાવના વધુ પ્રબળ બની છે. તેમજ બહારના લોકો બલૂચિસ્તાનમાં ઘર કરી જશે અને સ્થાનિકોનો પ્રભાવ નહી રહે તેવા વિચારથી પણ વિરોધ વધુ તીવ્ર બની રહી છે. તેવામાં બલૂચિસ્તાન અલગ થવાની સંભાવનાઓ ફરીથી જોર પકડી રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer