વર્લ્ડ કપમાં સચિનની ધાક રહી છે

વર્લ્ડ કપમાં સચિનની ધાક રહી છે
સૌથી વધુ રન તેના નામે : અન્ય કોઇ આસપાસ પણ નહીં
નવી દિલ્હી, તા.17: આઇસીસી વર્લ્ડ કપમાં ભારતના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની ધાક રહી છે. આ ટૂર્નામેન્ટમાં તે સૌથી વધુ રન કરનાર બેટધર છે. સચિને તેનો પહેલો વિશ્વ કપ 1992માં રમ્યો હતો. જ્યારે 2011માં ભારતીય ટીમ ચેમ્પિયન બની તે વર્લ્ડ કપ આ મહાન ખેલાડીનો આખરી વર્લ્ડ કપ હતો. આ દરમિયાન સચિન વિશ્વ કપમાં 4પ મેચ રમ્યો. જેમાં તેણે 6 સદી અને 1પ અર્ધસદીથી કુલ 2278 રન કર્યાં છે. તેનો સર્વોચ્ચ સ્કોર 1પ2 રહયો છે.
આ સૂચિમાં બીજું નામ ઓસ્ટ્રેલિયાના રીકિ પોન્ટિંગનું છે. તે વિશ્વ કપમાં 46 મેચ રમ્યો છે. જેમાં તેણે 1743 રન કર્યાં હતા. તેના નામે વર્લ્ડ કપમાં પ સદી અને 6 ફીફટી છે. તેની શ્રેષ્ઠ ઇનિંગ 140 રન અણનમ હતી. ત્રીજા નંબર પર શ્રીલંકાનો કુમાર સંગકારા છે. તેણે 2003થી 201પ સુધીના વિશ્વ કપમાં 37 મેચમાં 1પ32 રન કર્યાં છે.124 શ્રેષ્ઠ સ્કોર છે. પ સદી અને 7 અર્ધસદી છે. ચોથા નંબર પર વેસ્ટ ઈન્ડિઝનો મહાન બેટસમેન બ્રાયન લારા છે. તેણે 1992 થી 2007ના વર્લ્ડ કપના 34 મેચમાં 122પ રન કર્યાં છે. તેના નામે વિશ્વ કપમાં ફકત બે જ સદી છે. શ્રેષ્ઠ સ્કોર 116 છે. આફ્રિકાનો એબી ડિ’વિલિયર્સ પાંચમા નંબર પર છે. તેણે 2007 થી 201પ સુધીના વર્લ્ડ કપમાં 1207 રન કર્યાં છે. તેના નામે આ ટૂર્નામેન્ટમાં 4 સદી અને 6 અર્ધસદી રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer