જાહેરમાં થૂકતાં પહેલા વિચારજો : દંડ ભરવો પડશે!

અમદાવાદની જેમ હવે રાજકોટ શહેરમાં પણ
રસ્તા પર પિચકારી મારનારી વ્યક્તિ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જશે : ઘરે ઈ-મેમો પહોંચી જશે !
બે-ત્રણ દિવસમાં ઝુંબેશનો પ્રારંભ કમિશનર પાની
રાજકોટ તા.14 :  સ્વચ્છતા સર્વેક્ષણમાં 9મો ક્રમાંક મેળવવા બાદ રાજકોટ મ્યુનિ.તંત્ર પણ અમદાવાદ કોર્પોરેશનની જેમ નાગરિકોની આદતોને સુધારવા માટેનું અભિયાન હાથ પર લેવા જઈ રહ્યું છે. શહેરમાં કોઈપણ સ્થળે જાહેરમાં થુંકનારા લોકો પાસેથી હવે દંડ વસૂલવામાં આવશે. આજદિન સુધી કોર્પોરેશન આવા લોકો પાસેથી મેન્યુઅલી દંડ વસૂલતું હતું પરંતુ હવેથી કમાંડ કન્ટ્રોલ રૂમના સીસીટીવીથી મોનિટરીંગ કરીને સીધી ઈ-મેમો જ ઈસ્યુ કરવામાં આવશે. આગામી બે-ત્રણ દિવસમાં જ તેની અમલવારી શરૂ થઈ જશે તેવું આજરોજ મ્યુનિ.કમિશનર બંછાનીધિ પાનીએ જણાવ્યું હતું.
રાજકોટ મ્યુનિ.તંત્ર દ્વારા શહેરને સ્વચ્છ બનાવવાની ઝુંબેશને વધુ વેગવંતી બનાવવામાં આવી રહી છે ત્યારે હવે કોર્પોરેશન શહેરમાં કોઈપણ સ્થળે જાહેરમાં થૂંકનારા લોકોને દંડ ફટકારાશે.કમિશનર પાનીએ ઉમેર્યુ હતું કે, ‘શહેરમાં પાની ફાંકી ખાનારા તેમજ ચાલુ વાહને બિદાંસ રોડ પર થૂકનારા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કોર્પોરેશનના આઈ-વે પ્રોજેક્ટ અંતર્ગત આ સમસ્યાનું નિરાકરણ શોધી કાઢવામાં આવ્યું છે. હવેથી મુખ્યમાર્ગો પર જાહેરમાં થૂંકનારા લોકો સીસીટીવી કેમેરામાં કેદ થઈ જશે અને એ વ્યક્તિના ઘરે તેના વાહન નંબરના આધારે દંડનો ઈ- મેમો પહોંચી જશે. પ્રારંભિક તબક્કે રૂ.200નો દંડ વસૂલવામાં આવશે અને ફરી એ જ વ્યક્તિ પકડાશે તો તેની પાસેથી બમણો ચાર્જ વસૂલવામાં આવશે. ઈ-મેમો મળ્યાના 7 દિવસમાં દંડની રકમ ભરવાની રહેશે. જો કે, હાલ આચારસંહિતાનો માહોલ હોય તે પૂર્ણ થયાં બાદ આ ઝુંબેશને વધુમાં વઘુ સઘન બનાવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્પોરેશન જાહેરમાં થૂકનારને ઈ-મેમો ફટકારીને દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરવા રહ્યું છે તે પૂર્વે ખુદ મનપાની ત્રણેય ઝોનની કચેરીઓની દીવાલોના પાન-મસાલાની પિચકારીઓને લીધે કલરો બદલાઈ ગયાં છે તે બાબતને ધ્યાનમાં અચૂક લેવી જોઈએ. જાહેર જનતા પાસેથી દંડ વસૂલાત શરૂ કરવામાં આવે તે પૂર્વે કોર્પોરેશન ઘરઆગણાથી શરૂઆત કરે અને શાસકો-સત્તાધિશો સહિત તમામ કર્મચારીઓ માટે પણ કડક નિયમો લાગૂ કરે તેવું જાગૃત નાગરિકોનું કહેવું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer