પુષ્કરધામની ચોરીમાં ‘ઘરના ઘાતકી’ નિકળ્યા: ભાણેજવર સહિત બે પકડાયાં

પુષ્કરધામની ચોરીમાં ‘ઘરના ઘાતકી’ નિકળ્યા: ભાણેજવર સહિત બે પકડાયાં
રૂ. પાંચ લાખની રોકડ સહિતનો મુદ્દામાલ કબજે
રાજકોટ, તા. 14: યુનિવર્સિટી રોડ પરના પુષ્કરધામ સોસાયટીમાં રહેતા અને સીઝનલ ધંધો કરતાં ઇમરાનભાઇ મેતરના મકાનમાંથી થયેલી રૂ. 16.50 લાખની ચોરીમાં ઘરના ઘાતકી નિકળ્યા હતાં. આ ચોરી અંગે મકાનધણીના ભાણેજવર સહિત બે શખસની પોલીસે ધરપકડ કરીને રૂ. પાંચ લાખની રોકડ સહિત રૂ. 5.11 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
છ માસ પહેલા દિવાળીના તહેવાર બાદ ઇમરાનભાઇ મેતર અને તેમના પરિવારજનો મકાનના દરવાજાને ઇન્ટરલોક મારીને કચ્છ ફરવા ગયા હતાં. ત્રણ દિવસ રેઢા પડેલા આ મકાનને નિશાન બનાવીને તસ્કરો રૂ. 14.30 લાખની રોકડ રકમ અને દાગીના મળી કુલ રૂ. 16.50 લાખની મતાની ચોરી કરી ગયા હતાં. તસ્કરો બારીની ગ્રીલ ખોલીને તેમાંથી હાથ નાખીને ઇન્ટર લોક ખોલીને ચોરી કરી ગયાનું ખુલ્યું હતું. આ ચોરીમાં કોઇ જાણભેદુ અને સગા સંબંધી સંડોવાયા હોવાની શંકા ઉભી થઇ હતી. આ ચોરીમાં મકાનધણીનો  ભાણેજવર સહિત બે શખસ સંડોવાયા હોવાની અને એ બન્ને જામનગર રોડ પરમાધાપર બસ સ્ટેશન પાસે હોવાની ચોકકસ બાતમી ક્રાઇમ બ્રાંચના એએસઆઇ વિજયસિંહ ઝાલા,ફીરોઝ શેખ અને પ્રતાપસિંહ ઝાલાને મળી હતી. આ હકિકતના આધારે સાયલામાં ફાટક પાસે રહેતા ઇમરાનભાઇના ભાણેજવર ચંદુ બચુભાઇ લુણવિયા અને મૂળ જામનગરના વતની અને હાલ અમદાવાદના ચાંદખેડામાં ઉપવન રેસીડન્સીમાં રહેતાં  રવિ કાનજીભાઇ ભટ્ટને ઝડપી લેવાયા હતાં. ક્રાઇમ બ્રાંચના ઇન્સ. ગઢવી અને સબ ઇન્સ. ધાખડાની પુછપરછમાં આ બન્ને શખસે પુષ્કરધામની ચોરીની કબુલાત આપી હતી અને તેની પાસેથી રૂ. પાંચ લાખની રોકડ રકમ અને રૂ. 11 હજારના બે મોબાઇલ ફોન મળી કુલ રૂ. 5.11 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. ડીસીપી મનોહરસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે ચંદુએ ઇમરાનભાઇ મેતરની સાળીની પુત્રી સાથે પ્રેમ લગ્ન કર્યા છે. આ જ રીતે રવિએ પણ મુસ્લિમ યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા છે. ચંદુ તેના માસાજી ઇમરાનભાઇના ઘેર આવ્યો હતો. ત્યારે કબાટમાં મોટી રકમ પડી હોવાની જાણ થઇ હતી. બાદમાં ઇમરાનભાઇ અને તેનો પરિવાર કચ્છ ફરવા ગયાની જાણ થતા તે તેના સાગરીત રવિ ભટ્ટ સાથે રાજકોટ આવ્યો હતો અને માસાજીના ઘરમાં ચોરી કરીને નાસી ગયા હતાં. ચંદુ અગાઉ જામનગર, દ્વારકાની પાંચ ઘરફોડ ચોરી અને દારૂના ગુનામાં પકડાયેલ છે જયારે રવિ ત્રણ ચોરીમાં તેની સાથે હતો અને દારૂના બે ગુનામાં પકડાઇ ચુકયો છે.  ચોરીનો બાકી મુદ્દામાલ કબજે કરવા પ્રયાસ  ચાલે છે. આ ચોરીનો ભેદ ઉકેલનાર  અધિકારી અને કર્મચારીઓને રૂ. 15 હજારનું ઇનામ આપવામાં આવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer