ગારડી એવોર્ડએ સેવાકર્મી વ્યક્તિ કે સંસ્થા પ્રત્યેની ભાવવંદના છે: રાજેન્દ્ર ત્રિવેદી

ગારડી એવોર્ડએ સેવાકર્મી વ્યક્તિ કે સંસ્થા પ્રત્યેની ભાવવંદના છે: રાજેન્દ્ર ત્રિવેદી
દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા સાત સેવકોનું ગારડી એવોર્ડથી સન્માન
દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ-ઢોલરા દ્વારા આયોજિત ગારડી એવોર્ડ કાર્યક્રમનું દીપ પ્રાગટય કરતાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદી, આણંદબાવા સંસ્થાના દેવીપ્રસાદજી તથા મંચસ્થ મહેમાનો.
રાજકોટ: સમર્પણ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી રૂક્ષ્મણીબેન દીપચંદભાઇ ગારડી વૃદ્ધાશ્રમ દ્વારા સતત સાતમાં વરસે સેવા ક્ષેત્રે જેમણે વિશિષ્ટ પ્રદાન કર્યું હોય સેવાની જ્યોત જગાવી હોય તેઓનું દીકરાનું ઘર વૃદ્ધાશ્રમમાં શ્રી દીપચંદભાઇ ગારડીના નામથી અપાતો પ્રતિષ્ઠિત ગારડી એવોર્ડ એનાયત કરતો કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો.
કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદી, આણંદબાવા સેવા સંસ્થા જામનગરના શ્રી દેવીપ્રસાદજી મહારાજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિનભાઇ પેથાણી, ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ધારાસભ્ય લાખાભાઇ સાગઠિયા, ઉદ્યોગપતિ રમણભાઇ વરમોરા, સોનમ કવાર્ટસના જયેશભાઇ શાહ, ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ મનોહરસિંહજી જાડેજા, પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઇ માંકડિયા સહિતના ઉપસ્થિત હતાં.
આ વરસના ગારડી એવોર્ડ પ્રજાપિતા બ્રહ્મકુમારી ઇશ્વરિયા વિશ્વ વિદ્યાલયના શ્રી ભારતીદીદી, ઉદ્યોગપતિ અને સરદાર કલ્ચરલ ફાઉન્ડેશનના પૂર્વ પ્રમુખ વલ્લભભાઇ સતાણી, શિક્ષણ અને સહકારી ક્ષેત્રના અગ્રણી કૌશિકભાઇ શુકલ, પંચનાથ મહાદેવ ટ્રસ્ટના પ્રમુખ દેવાંગભાઇ માંકડ, જસદણ પંથકના અગ્રણી મૂક સેવક અશોકભાઇ મહેતા, જીવદયા પ્રેમી વિષ્ણુભાઇ ભરાડ તથા સંસ્થા બહેરા મૂગા શાળાને આ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરાયા હતાં.
આ તકે અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ  કહ્યું કે, ગારડી એવોર્ડએ સામાજિક ઉત્તરદાયિત્યની જવાબદારી સ્વીકારનાર પ્રેરણાદાયી વ્યક્તિ કે સંસ્થા પ્રત્યેની ભાવવંદના છે. દીપચંદભાઇ જેવી વિરલ વિભૂતી આવનારા 100 વર્ષોમાં કયાંય નહીં જન્મી શકે. પોતાનું સમગ્ર જીવન સેવા માટે ખર્ચી નાખનાર દીપચંદભાઇના જીવન પરથી નવી પેઢીએ શીખ લઇ તેમના અધુરા કાર્યો  આગળ વધારવા જોઇએ. તેઓએ દીકરાના ઘરની વ્યવસ્થા સેવાની મુક્ત મને પ્રશંસા કરી હતી.
આણંદબાવા સંસ્થાના શ્રી દેવીપ્રસાદ મહારાજે કહ્યું કે, સેવા અને સમર્પણની રાહે ચાલીને જ વ્યક્તિ કે સમૂહ આદર્શ અને ઉત્તમ સમાજનું નિર્માણ કરી શકે છે. સમાજના છેવાડાની માનવીની સેવા કરવી એ આપણી સંસ્કૃતિ છે. કુલપતિ ડો.નીતિનભાઇ પેથાણીએ કહ્યું કે, સંસ્થાની ધરતીમાં પવિત્રતા છે. ધનસુખભાઇ ભંડેરીએ કહ્યું કે, આ સંસ્થાએ સેવાના ક્ષેત્રે મોટું યોગદાન આપ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer