એન્જિનિયરીંગના બે વિદ્યાર્થી ચાર ચોરાઉ બુલેટ સાથે પકડાયાં

એન્જિનિયરીંગના બે વિદ્યાર્થી ચાર ચોરાઉ બુલેટ સાથે પકડાયાં
જામનગરના બન્ને વિદ્યાર્થીએ સીન જમાવવા અને મોજશોખ કરવા ચોરી કરી’તી: યુ ટયુબ પરથી વાહનચોરીની તરકીબ મેળવી’તી
રાજકોટ, તા. 14: કોલેજના અન્ય વિદ્યાર્થીઓ ઉપર સીન જમાવવા અને મોજશોખ કરવા માટે બુલેટ મોટર સાઇકલની ચોરીના રવાડે ચડી ગયેલા રાજકોટની એન્જીનિયરીંગ કોલેજમાં અભ્યાસ કરતાં અને ભાડાના મકાન અને હોસ્ટેલમાં રહેતા જામનગરના બે વિદ્યાર્થી આહિર ભરત ગોવિંદભાઇ ચાવડા અને મેર કુલદીપ દુદાભાઇ કારાવદરાને ચાર ચોરાઉ બુલેટ સાથે પોલીસે ઝડપી લીધા હતાં.
નવા દોઢસો ફુટના રીંગ રોડ પર પાટીદાર ચોકમાંથી બે શખસ ચોરાઉ બુલેટ મોટર સાઇકલની પસાર થવાના હોવાની ચોકકસ બાતમીના આધારે  તાલુકા પોલીસ મથકના ઇન્સ. વણઝારાના માર્ગદર્શન હેઠળ સબ ઇન્સ ડામોર અને તેમના મદદનીશો હર્ષદસિંહ, નગીનભાઇ, હીરેન અને ઉમેશ અને ભગીરથસિંહે વોચ ગોઠવીને એ બન્નેને ઝડપી લીધા હતાં. પોલીસની પુછપરછમાં આ બન્નેએ તેના નામ આહિર ભરત ગોવિંદભાઇ ચાવડા અને મેર કુલદીપ દુદાભાઇ કારાવદરા
હોવાનું અને મૂળ જામનગરના વતની હોવાનું જણાવ્યું હતું. આ બન્ને પાસે બુલેટના કાગળો માગ્યા હતાં પણ તે આપી શકયા ન હતાં.  તેણે રાજકોટમાંથી ત્રણ અને જામનગરમાંથી એક મળી કુલ ચાર બુલેટની ચોરી કર્યાની કબુલાત આપી હતી. આ અંગેની વિગતો આપતા ઝોન-2ના  ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ બન્ને વિદ્યાર્થી છે અને મૂળ જામનગરના વતની છે તથા એન્જીનિયરીંગ કોલેજમાં ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે.  કોલેજના અન્ય વિદ્યાર્થીઓ રોફ જમાવીને સીન જમાવવા અને મોજશોખ કરવા માટે બુલેટ મોટર સાઇકલની ચોરી કરવાનું શરૂ કર્યુ હતું. આ બન્ને ચોરી કરીને વેચી દીધેલા ચાર બુલેટ કબજે કરાયા છે. આ બન્ને પાસેથી ચોરાઉ બુલેટ ખરીદનાર સામે પણ પગલાં લેવાશે. આ બન્નેએ યુ ટયુબ પર વીડિયો જોઇને વાહનની ચોરી કેવી રીતે કરાય તેની માહિતી મેળવી હતી બાદમાં બુલેટની ચોરી કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer