પશ્ચિમ બંગાળમાં હિંસા રોકવામાં મમતા બેનરજી નિષ્ફળ : રાજનાથ

પશ્ચિમ બંગાળમાં હિંસા રોકવામાં મમતા બેનરજી નિષ્ફળ : રાજનાથ
ભાજપને 2004 અને 2014ની સરખામણીમાં વધુ બેઠકો મળશે
પ્રમોદ મુઝુમદાર
નવી દિલ્હી, તા. 14 : કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથ સિંહે આજે અત્રે પશ્ચિમ બંગાળમાં અને ખાસ કરીને ચૂંટણીના છઠ્ઠા તબક્કાના મતદાનમાં થયેલી હિંસાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી અને જણાવ્યું હતું કે, આ હિંસાચારને રોકવામાં ત્યાંનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી નિષ્ફળ રહ્યાં છે.
રાજનાથ સિંહે પત્રકાર પરિષદને સંબોધતાં જણાવ્યું હતું કે, સ્વસ્થ લોકતંત્રમાં રાજકીય હિંસાને કોઈ સ્થાન નથી. પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાના મતદાનથી માંડીને છઠ્ઠા તબક્કા સુધી હિંસાચાર ચાલુ રહ્યો છે જેને રોકવામાં મમતા બેનરજી નિષ્ફળ રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, કાયદા વ્યવસ્થાને જાળવવાનું કામ રાજ્ય સરકારનું હોય છે. જ્યારે સમગ્ર દેશમાં ચૂંટણી ચાલતી હોય તો કેન્દ્ર સરકાર સીધી રીતે હસ્તક્ષેપ કરી શકે નહીં, પરંતુ ચૂંટણી પંચે તેની નોંધ લઈને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.
રાજનાથ સિંહે વધુમાં જણાવ્યું હતું કે, “મેં અત્યાર સુધીમાં 110 ચૂંટણી સભાઓને સંબોધી છે અને અનુભવ પરથી કહું છું કે, ભાજપને 2004 અને 2014ની સરખામણીમાં વધુ બેઠકો મળશે અને એમડીએને બે તૃતીયાંસ બહુમતી મળી શકે છે. ઘણી જગ્યાએ મને અંડર કરંટ જોવા મળ્યો છે અને લોકો એમ માને છે કે, સમાજના તમામ વર્ગોનાં કલ્યાણ અને સર્વાંગી વિકાસ માટે જે કરવું જોઈએ તે થઈ રહ્યું છે. લોકોના ચહેરા પર સંતોષનો ભાવ છલકી રહ્યો છે એટલે લોકો ઈચ્છે છે કે, નરેન્દ્ર મોદીને ફરી એકવાર વડા પ્રધાન બનાવવા જોઈએ.
બીજી તરફ વિપક્ષો આને ખાસ કરીને કૉંગ્રેસ, બસપા અને તૃણમૂલ કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ બેબુનિયાદ આરોપ લગાવવામાં આવી રહ્યા છે. અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે ન કરવો જોઈએ. વડા પ્રધાન એક વ્યક્તિ નહીં, પરંતુ સંસ્થા છે. આ પદની ગરિમા જાળવવી જોઈએ એમ રાજનાથ સિંહે જણાવ્યું હતું. અગાઉ કૉંગ્રેસના નેતા મણિશંકર ઐયરે નરેન્દ્ર મોદી વિષે જે ટિપ્પણી કરી હતી તો પક્ષે ત્યાર બાદ કાર્યવાહી કરી હતી. આજે ફરીવાર તેમણે જે લખ્યું છે તો તેના પર કૉંગ્રેસની શું પ્રતિક્રિયા છે? કૉંગ્રેસ પાર્ટીનું શું કહેવું છે? એવો સવાલ રાજનાથ સિંહે કર્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer