પાલિતાણામાં નશીલા પદાર્થથી બેભાન કરી લૂંટ ચલાવતી ટોળકી ઝડપાઈ

પાલિતાણામાં નશીલા પદાર્થથી બેભાન કરી લૂંટ ચલાવતી ટોળકી ઝડપાઈ
ભાવનગર, તા.14: પાલિતાણા પંથકમાં મોટર સાઇકલમાં લિફટ આપી નશીલા પદાર્થ ખવડાવી બેશુદ્ધ કરી લૂંટ ચલાવતી ટોળી પકડાઈ છે. ગારિયાધાર પાસેના પરવડી ગામ પાસે પસાર થઇ રહેલ વિકેશ ઉર્ફે બાડિયો રમેશભાઇ વાઘેલા (ઉ.વ.22) તથા મુકેશ રમેશભાઇ વાઘેલા (ઉ.વ.30)ને તેનું મોટર સાઇકલ અટકાવી પોલીસે પૂછપરછ કરતા જીજેફોરએક્યુ3256 નંબરના બજાજ પલ્સરના આધાર પુરાવા ન હતા. વધુ પૂછપરછમાં ઉપરોક્ત આરોપીઓએ દોઢેક વર્ષ પહેલા એક વૃદ્ધને પાલિતાણા, ગારિયાધાર રોડ ઉપર લિફટ આપી ચામાં નશાકારક પદાર્થ ભેળવી પાઇને બેભાન બનાવી તેની પાસેની રોકડ રકમ, સોનાના બટન તથા મોબાઇલની લૂંટ ચલાવેલ. ગારિયાધાર પોલીસ મથકે ગુનો નોંધાયેલ છે.
--------
વલભીપુરમાં ગેસનો બાટલો ફાટતાં મકાનમાં આગ ભભૂકી
 દુર્ઘટનામાં તમામ ઘરવખરી ખાક : પાલિકાના ફાયરફાઈટર ‘શોભાના ગાંઠિયા’ સમાન બની રહ્યાં
વલભીપુર તા.14 : વલભીપુરમાં બેન્ક ઓફ બરોડા પાસેના મકાનમાં ભયંકર આગ લાગી હતી. અત્રેની શુક્લ શેરી પાસે આવેલી બેન્ક ઓફ બરોડા નજીકના અનોપસિંહ ગોહિલનું મકાન આવેલુ છે આ મકાનમાં આજે સવારે 10 વાગ્યા આસપાસ ગેસ સિલીન્ડર ફાટવાના કારણે ભયંકર આગ લાગી હતી અને દોડધામ મચી જવા પામી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.
આગને કાબૂમાં લેવા માટે શહેરના રાજકિય તેમજ સામાજિક આગેવાનો બહોળી સંખ્યામાં એકઠા થઈ ગયાં હતાં અને ભારે જહેમત બાદ ચાર-પાંચ કલાકે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગમાં મકાનની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી અને ખૂબ મોટુ આર્થિક નુકશાન થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, વલભીપુર નગરપાલિકાને રાજ્ય સરકારે રૂ.35 લાખના ખર્ચે ફાયર ફાઈટર આપ્યું છે જે શોભાના ગાંઠિયા સમાન હોય બંધ હોવાના કારણે આસપાસના તાલુકામાંથી ફાયર ફાઈટર બોલાવવા પડયાં હતાં જે બે-ત્રણ કલાકે પહોંચતા આગે વિકરાળરૂપ ધારણ કર્યુ હતું.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer