વરસાદ થાય ત્યારે શું બધા વિમાન રડારમાંથી અદ્રશ્ય થઈ જાય?: રાહુલનો મોદી ઉપર કટાક્ષ

વરસાદ થાય ત્યારે શું બધા વિમાન રડારમાંથી અદ્રશ્ય થઈ જાય?: રાહુલનો મોદી ઉપર કટાક્ષ
વડાપ્રધાનનું સત્ય જનતાનાં રડારમાં આવી ગયું છે: પ્રિયંકા

નીમચ, તા.14: બાલાકોટ એર સ્ટ્રાઈકમાં આકાશનાં વાદળોને કારણે પાકિસ્તાનનાં રડારથી ભારતીય વાયુસેનાનાં વિમાન બચી શક્યા હોવાનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વિવાદાસ્પદ વિધાન મુદ્દે આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી ઉપર નિશાન સાધતા તીખો કટાક્ષ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, શું ભારતમાં વરસાદ થાય ત્યારે તમામ વિમાનો રડારમાંથી અદ્રશ્ય થઈ જાય છે? બીજીબાજુ પ્રિયંકા ગાંધીએ પણ કહ્યું હતું કે, વડાપ્રધાનનું સત્ય જનતાનાં રડારમાં આવી ગયું છે.
અંતિમ તબક્કાની ચૂંટણી માટે મધ્યપ્રદેશમાં જનસભાને સંબોધતા રાહુલે તાજેતરમાં વડાપ્રધાન મોદી દ્વારા વિભિન્ન મીડિયાને આપવામાં આવેલા ઈન્ટરવ્યુ ઉપર પરોક્ષ પ્રહારો કર્યા હતાં અને કહ્યું હતું કે, વડાપ્રધાને આપણને કેવી રીતે કેરી ખાવી તે પણ શીખવ્યું છે.
તો હવે તેમણે યુવાનો બેરોજગાર શા માટે છે તે પણ જણાવી દેવું જોઈએ. આગળ તેમણે કહ્યું હતું કે, મોદીજીએ એ પણ કહેવું જોઈએ કે ચોમાસામાં વરસાદી વાદળો બંધાય ત્યારે શું બધા વિમાનો રડારમાંથી અલોપ થઈ જતાં હશે? બીજીબાજુ પંજાબનાં ભટિંડામાં પ્રિયંકાએ પણ આ મુદ્દે જ વડાપ્રધાન ઉપર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે, જનતાનાં રડારમાં હવે વડાપ્રધાનનું સત્ય આવી ગયું છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer