લીંબડી પાસે ત્રિપલ અકસ્માતમાં એકનું મૃત્યુ: 7ને ઇજા

લીંબડી પાસે ત્રિપલ અકસ્માતમાં એકનું મૃત્યુ: 7ને ઇજા
લીંબડી, તા. 14: અહીંના રાજકોટ-અમદાવાદ હાઇ-વે મોડેલ સ્કૂલ પાસે બે કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું જ્યારે સાત વ્યક્તિને ઇજા થઈ હતી.
આ દુર્ઘટનામાં ભગુપુરનાં રામદેવ મંદિર પાસે રહેતા ગોબરભાઇ નામની વ્યક્તિનું મૃત્યુ થયું હતું. જ્યારે સુરેશભાઇ ગોવિંદભાઇ, મનોજ જેરામભાઇ, પ્રવીણ નટુભાઇ, ભારતીબહેન ગોબરભાઇ, સરોજબહેન અરવિંદભાઇ, હંસાબહેન ગોસ્વામી અને ભવનભાઇ ગોસ્વામીને ઇજા થઈ હતી. આ અકસ્માતની મળતી વિગત પ્રમાણે મોડેલ સ્કૂલ પાસે સ્વિફટ કારે એક બાઇકને અડફેટે ચડાવ્યું હતું. બાઇક સામેથી આવતી ઇકો કાર સાથે અથડાયું હતું અને ઇકો કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ભગુપુરના ગોબરભાઇનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે સાત વ્યક્તિને ઇજા થઈ હતી. આ બનાવના પગલે વાહનોની કતાર લાગી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.
---------
ગળપાદર પાસે પ્રેમીપંખીડાએ કર્યો આપઘાત
ક્ષ     કિશોરી અને યુવાનના આ કૃત્યથી અરેરાટી સાથે પ્રસરી ચકચાર
ગાંધીધામ, તા. 14 : તાલુકાના ગળપાદર ગામ નજીક  આજે વહેલી સવારના અરસામાં કિશોરી અને યુવાન વયના પ્રેમીપંખીડા ભાવેશ દેવજી સોલંકી (ઉ.વ.20) અને રાધીબેન બાબુ આહીર (ઉ.વ.14)એ સજોડે ગળાફાંસો ખાઈ દુનિયા સાથે છેડો ફાડતાં અરેરાટી સાથે ચકચાર પ્રસરી છે.
પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ આજે વહેલી સવારના 4.40 વાગ્યાના અરસામાં ગળપાદરમાં ગેબનશાપીરની દરગાહની બાજુમાં દેવજી મૂળજી સોલંકીના ખેતરમાં બન્યો હતો. ગળપાદરમાં નવાવાસ વિસ્તારમાં રહેતી હતભાગી કિશોરી રાધીબેન અને ભાવેશ એકબીજાના પ્રેમમાં હતા. ગત  ભાંગતી રાત્રે ત્રણ વાગ્યાના અરસામાં બન્ને જણાએ એક્ટિવા ઉપર નીકળી વાડીમાં આવી લીમડાના ઝાડમાં રસ્સી બાંધી ગળાફાંસો ખાઈ
લીધો હતો.
બીજી બાજુ સવારના અરસામાં કિશોરી અને યુવાન ઘરમાં નજરે ન પડતાં તેમના વાલીઓએ વ્યાપક શોધખોળ આદરી હતી. આ દરમ્યાન કોઈની નજર લટકેલી લાશ ઉપર પડતાં ગામમાં જાણ કરાઈ હતી. બન્નેના પરિવારજનો ત્યાં આવી પહોંચતાં બનાવ પ્રકાશમાં આવ્યો હતો. બનાવસ્થળે લોકોનાં ટોળાં એકત્ર થયાં હતાં.
બનાવની જાણ થતાં ગાંધીધામ એ-ડિવિઝન પોલીસનો કાફલો પહોંચ્યો હતો, પરંતુ આ બનાવ વરસામેડીની સીમમાં બન્યો હોવાથી અંજાર પોલીસમાં અકસ્માત મોતની નોંધ કરાવાઈ હતી. પોલીસે અંજાર રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવી લાશ પરિવારજનોને સોંપી હતી. યુવક અને સગીરાના આપઘાતના બનાવથી બન્નેના પરિવારજનો ઉપર આભ ફાટી પડયું હતું. પરિવારજનોના આક્રંદથી ગમગીની છવાઈ હતી. હતભાગી સગીરા અભ્યાસ કરતી હતી. બનાવની વધુ તપાસ અંજાર પી.એસ.આઈ. જે.જે. જાડેજા ચલાવી રહ્યા છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer