હાપુડ બળાત્કાર કાંડ : ‘હું તો બળી ગઈ છું, હવે કોઈ મારો બળાત્કાર તો નહીં કરે’

હાપુડ બળાત્કાર કાંડ : ‘હું તો બળી ગઈ છું, હવે કોઈ મારો બળાત્કાર તો નહીં કરે’
પીડિતાની હચમચાવી નાખતી દાસ્તાન અને વર્ષો સુધી તેનું નહીં સાંભળનારી પોલીસની મૂઢતા

નવીદિલ્હી, તા.14 : રાજધાની દિલ્હીની એક સરકારી હોસ્પિટલનાં બિછાને કણસતી- તડપતી હાપુડની બળાત્કાર પીડિતા સુનીતા (બદલાવેલું નામ)ની દાસ્તાન ભલભલાં કાળમીંઢને પીગળાવી નાખે તેવી છે. સુનીતાનું કહેવું છે કે, ‘કાશ, હું મરી ગઈ હોત. આવી પીડા કોઈ સહેવા માગતું નથી. હવે હું જ્યારે આખી બળી ગઈ છું તો એક આશ્વાસન છે કે કમસેકમ લોકો હવે મારા ઉપર બળાત્કાર તો નહીં કરે’.
સુનીતાએ 28 એપ્રિલ 2019નાં રોજ ઉત્તરપ્રદેશમાં એક મિત્રનાં ઘેર આત્મઘાતનો પ્રયાસ કર્યો હતો. તેની કથની કંપાવનારી છે. સુનીતાનાં પિતાએ તેને 10 હજાર રૂપિયા માટે વેંચી દીધી હતી. ત્યારથી તેની સાથે બળાત્કારનો વણથંભ્યો સિલસિલો ચાલુ થયો અને પોલીસે પણ તેની ફરિયાદો સતત અવગણી. આખરે તેણે જાત જલાવી ત્યારે છેક કેસ નોંધાયો.
સુનીતાને તેનાં બાપે 2009માં 14 વર્ષની વયે પરણાવી દીધી હતી અને તેનાં કરતાં ઘણી વધુ વયનાં પતિએ થોડા માસમાં જ તેને તરછોડી દીધી. થોડા વખતમાં જ પિતાએ પોતાની પત્ની માટે કંઈક સામાન લેવા માટે તેને વેંચી દીધી. તેનો બીજો પતિ તો દૈત્ય સાબિત થયો.  તેણે પોતાનાં મિત્રો પાસે સુનીતા ઉપર બળાત્કાર કરાવ્યા. 20થી વધુ લોકોએ તેનાં દેહને અભડાવ્યા બાદ તેનાં ઉપર એસિડ ફેંકવા સહિતની ધમકીઓ પણ અપાઈ.  સુનીતાએ આ વિશે અનેકવાર પોલીસમાં ફરિયાદો કરી પણ દરવખતે તપાસ કરવામાં આવી રહ્યાની ઠાલી વાતો જ તેને સાંભળવા મળી.  2008થી 2019 વચ્ચે કોઈ એફઆઈઆર લેવામાં આવી નહીં અને આખરે તે હતાશ થઈ ગઈ. આખરે તેણે દોજખ બનેલી જિંદગીથી છૂટકારો મેળવવા ફક્ત મોતનો આશરો સુરક્ષિત માન્યો અને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો. જેમાં તેનું શરીર 7પથી 80 ટકા જેટલું બળી ગયું હતું. તેને દિલ્હી લાવવામાં આવી અને હવે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer