કોલકાતામાં કમઠાણ: શાહના રોડ શોમાં રમખાણ

કોલકાતામાં કમઠાણ: શાહના રોડ શોમાં રમખાણ
તોફાનીઓને વિખેરવા પોલીસનો બળપ્રયોગ

કોલકાતા, તા.14: લોકસભા ચૂંટણીનો હવે એકમાત્ર અંતિમ તબક્કો બાકી છે અને અગાઉનાં છ ચરણનાં મતદાનમાં હિંસાનો સામનો કરી ચૂકેલા પશ્ચિમ બંગાળમાં આ વખતે સાતમા તબક્કાનાં મતદાન પહેલા જ ભારે તોફાન મચી ગયું છે. આજે પશ્ચિમ બંગાળનાં પાટનગર કોલકાતામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહનો રોડ-શો અને સભા હતી. આ બન્ને દરમિયાન ભાજપ અને કથિત ડાબેરી સમર્થકો વચ્ચે ભીષણ અથડામણો સર્જાઈ હતી અને આગજની પણ થઈ હતી. જેને પગલે પોલીસે બળપ્રયોગ પણ કરવાની ફરજ પડી હતી. અમિત શાહે આના હિંસા માટે મમતા બેનરજી સરકારને જવાબદાર ઠરાવી છે અને ભાજપ ચૂંટણી પંચમાં આ વિશે ફરિયાદ પણ કરશે.
આજે અમિત શાહનાં રોડ-શો પહેલા જ બન્ને પક્ષો વચ્ચે ચકમક ઝરવાની શરૂઆત થઈ ગઈ હતી. શાહ અને મોદીનાં પોસ્ટરો ઉતારવામાં આવતાં બન્ને પક્ષનાં કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યાર બાદ યોજાયેલા રોડ-શો વેળા કોલેજ સ્ટ્રીટ નજીક કથિત ડાબેરી છાત્ર  સંગઠનોનાં કાર્યકરોએ ભારે પથ્થરમારો કર્યો હતો. જેમાં ભાજપનાં કાર્યકરો ઉપરાંત પત્રકારો પણ ઘવાયા હતાં. રોડ-શો દરમિયાન ટ્રક ઉપર દંડા ફેંકવામાં આવ્યા બાદ મારામારી શરૂ થઈ હતી. અમિત શાહનાં કાફલા ઉપર પથ્થરમારો થયા બાદ ભાજપ કાર્યકરોએ પણ આસપાસ તોડફોડ મચાવીને આગચંપી કરી હોવાનું કહેવાય છે. વિદ્યાસાગર કોલેજમાં ઈશ્વરચંદ્રની પ્રતીમા પણ ખંડિત કરી દેવામાં આવી હતી.  સ્થિતિ બેકાબૂ બનતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને બન્ને પક્ષનાં કાર્યકરોને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ત્યાં સુધીમાં સ્થિતિ ભારેલા અગ્નિ જેવી બની ગઈ હતી. આ હોબાળાને પગલે અમિત શાહે રોડ-શો પણ અધવચ્ચેથી જ અટકાવી દીધો હતો. ભાજપનાં રોડ-શો પૂર્વે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહનાં પોસ્ટરો ઉતારવામાં આવ્યાનો એક વીડિયો બહાર આવતા બબાલ સર્જાઈ ગઈ છે. ભાજપે આને લોકતંત્રની હત્યા ઠેરવી દીધી હતી.  કોલકાતામાં અમિત શાહની રેલી પહેલાં પોલીસે રેલી સ્થળે પહોંચી ગઈ હતી, અને પરમિશનના પેપર્સ માગ્યા હતા. કોલકાતા પોલીસે સ્ટેજ સંબંધિત પરવાનગી પણ માગી હતી, અને પેપર ન આપવામાં આવે તો સ્ટેજ તોડવાની વાત કરી હતી. જે બાદ વિવાદ વકર્યો હતો. ભાજપનાં કાર્યકર્તાઓ નારેબાજી કરવાં લાગ્યા હતાં અને પોલીસ તેમને ઘેરવાનો પ્રયાસ  કરતી હતી. બીજીબાજુ અમિત શાહનાં રોડ-શો પહેલા જ પોસ્ટરો ઉતારી લેવામાં આવતાં આ મુદ્દે ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે ભારે તંગદિલી ફરી વળી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer