મણિએ પોત પ્રકાશ્યું

મણિએ પોત પ્રકાશ્યું
આનંદ કે. વ્યાસ
નવી દિલ્હી તા.14: કેંગ્રેસના સીનિયર નેતા મણિશંકર ઐયરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે ‘નીચ કિસમ કા આદમી’ - એવી અગાઉ કરેલી હીનતમ ટિપ્પણીને પોતાના તાજા લેખમાં વાજબી ઠરાવવાનું ઉંબાડિયું કર્યુ છે અને પોતે તે નુકતેચીનીને વળગી રહેતા હોવાનુ જણાવ્યુ છે. જેને પગલે કોંગ્રેસની હાલત ફરીથી કફોડી બની છે.
બીજી તરફ ઐયરની આવી ધૃષ્ટતા સામે સખ્તપણે વાંધો ઉઠાવતાં ભાજપએ તેમને ‘અપશબ્દ બોલનારા મુખિયા’ (એબ્યુઝર ઈન ચીફ) ગણાવી જણાવ્યુ છે કે અગાઉ ઐયરે પોતાની નબળી હિન્દીનું બહાનું કાઢી માફી માગી લીધી હતી, પણ હવે ભાવિસૂચક આગાહીનો દાવો કરે છે. દરમિયાન  ઐયરની એ ટિપ્પણીને તેમનો અંગત અભિપ્રાય ગણાવી પક્ષને તેનાથી અળગો રાખી હાથ ઉંચા કરી દીધા છે.
2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન વડા પ્રધાન મોદી વિષે પોતે કહેલા ‘નીચ’ શબ્દને ઐયરે એક લેખમાં વ્યાજબી ઠરાવ્યો હતો. આ શબ્દનો ઉપયોગ કરવા માટે તેમને બે વર્ષ પહેલાં પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
કૉંગ્રેસે મંગળવારે વડા પ્રધાન અંગે મણિશંકર ઐયરની આ ટિપ્પણીની ટીકા કરી હતી, પરંતુ સાથેસાથે પોતાના રાજકીય વિરોધીઓ વિષે હલકી ભાષાનો પ્રયોગ કરવા બદલ વડા પ્રધાન પર પણ આક્ષેપ કર્યો હતો.
કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું હતું કે અમે રાજકીય સંભાષણમાં સ્વયં શિસ્તના સમયની કસોટી પર ખરા ઊતરેલા સિદ્ધાંતનો ભંગ કરનારા મણિશંકર ઐયર કે તેમ કરતી કોઈ પણ વ્યક્તિની ટીકા કરીએ છીએ અને આવી ટિપ્પણીને નકારી કાઢીએ છીએ. તમારા રાજકીય વિરોધીને માન આપવું જોઈએ અને આ વાત રાહુલ ગાંધીએ સંસદમાં બતાવી હતી.
દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિષેની ટિપ્પણી બદલ ભાજપ કૉંગ્રેસના નેતા મણિશંકર ઐયર પર આકરા પ્રહારો કર્યા હતા.
‘તમામ લોકોનું ધ્યાન સેમ પિત્રોડા તરફ ગયું તેનાથી અસ્વસ્થ થઈ ગયેલા મણિશંકર ઐયરે લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચવા વડા પ્રધાન માટે ‘નીચ’ શબ્દને વ્યાજબી ગણાવ્યો છે’ એમ ભાજપના નેતા અમિત માલવિયાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું.
સંબિત પાત્રાએ પણ ‘ગાંધી પરિવારના ઝવેરાત’ પર પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે મોદીજી પરની પોતાની ‘નીચ’ ટિપ્પણીને વ્યાજબી ઠરાવીને ‘ગાંધી પરિવારના ઝવેરાતે’ (જ્વેલ અૉફ ગાંધી ફેમિલી) લોકસભાની 2019ની ચૂંટણીમાં રાહુલ ગાંધીના ‘પ્રેમના રાજકારણ’માં પોતાનો ફાળો આપ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer