આ વર્ષે ‘સામાન્યથી ઓછો’ વરસાદ

આ વર્ષે ‘સામાન્યથી ઓછો’ વરસાદ
નવી દિલ્હી, તા.14 : દેશમાં અત્યારે તીવ્ર ગરમી વચ્ચે સારા ચોમાસાની આશા ગાઢ થઈ રહી છે ત્યારે ખાનગી હવામાન નિરીક્ષણ એજન્સી સ્કાયમેટ તરફથી એવી ચિંતાજનક આગાહી કરવામાં આવી છે કે નૈઋઍત્યનું ચોમાસું સામાન્ય કરતાં ઓછું રહી શકે છે. સ્કાયમેટની આગાહી અનુસાર ચોમાસું કેરળને ચોથી જૂનના સ્પર્શશે અને રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં 29 જૂન સુધીમાં તેનું આગમન થઈ જશે. એક પ્રેસ રિલીઝમાં સ્કાયમેટે જણાવ્યું હતું કે આંદામાન અને નિકોબાર ટાપુ પર ચોમાસાનું આગમન 22 મે પહેલાં થઈ જવાની શક્યતા છે અને તે પછી તે કેરળ ભણી આગળ ધપશે.
એજન્સીએ સરાસરી ચોમાસા વિશે પોતાના વર્તારામાં એમ પણ કહ્યું હતું કે આ વખતે ચોમાસાની દેશમાં પ્રગતિ ધીમી રહે અને ‘સામાન્ય કરતાં ઓછો’ વરસાદ પડી શકે છે. ચારે પ્રદેશમાં સિઝનના સામાન્ય કરતાં ઓછા પ્રમાણમાં વરસાદની આશંકા છે.
સ્કાયમેટે કહ્યું કે પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારત અને મધ્ય ભાગમાં ઉત્તરપશ્ચિમ અને દક્ષિણના પ્રમાણમાં ઓછો વરસાદ થઈ શકે છે.વરસાદનો આરંભિક વર્તારો ભારતીય દ્વીપકલ્પ પર ચોમાસું ધીમું આગળ વધી શકે તેવું સૂચવે છે એમ સ્કાયમેટના જતિનસિંઘે કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ વર્ષે જ ફેબ્રુઆરીમાં સ્કાયમેટે એમ કહ્યું હતું કે દેશમાં આ વર્ષે સામાન્ય વરસાદ થશે. આજની આગાહીમાં તેણે વરસાદ ઓછો થવાનો વર્તારો આપ્યો છે.
ખેતીક્ષેત્ર જ્યાં મહદઅંશે વરસાદી પાણી આધારિત છે તેવા દેશમાં ‘સામાન્યથી ઓછો’ વરસાદ થવાનો વર્તારો ચિંતાજનક ગણી શકાય એમ તજજ્ઞોએ કહ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer