વોટસનનો પગ લોહીથી લથબથ હતો, છતાં લડાયક ઇનિંગ રમ્યો

વોટસનનો પગ લોહીથી લથબથ હતો, છતાં લડાયક ઇનિંગ રમ્યો
હરભજનસિંઘનો ખુલાસો: 6 ટાંકા લેવા પડયા
નવી દિલ્હી, તા.14: આઇપીએલના ફાઇનલમાં મુંબઇ ઇન્ડિયન્સ વિરૂધ્ધ ચેન્નાઇ સુપર કિંગ્સ ત્યાં સુધી જીતતી દેખાઇ રહી હતી, જ્યાં સુધી ક્રિઝ પર ઓસ્ટ્રેલિયાનો અનુભવી બેટસમેન શેન વોટસન હાજર હતો, પરંતુ આખરી ઓવરમાં શેન વોટસન રનઆઉટ થતાં બાજી પલટાઇ હતી. રસાકસી વચ્ચે આખરી દડા પર મુંબઇની ટીમ ચેમ્પિયન બની હતી. હવે શેન વોટસનની લડાયક ઇનિંગ વિશે બીજા કોઇએ નહીં, પણ ચેન્નાઇની ટીમના દિગ્ગજ સ્પિનર હરભજનસિંઘે એક ખુલાસો કર્યોં છે.
ફાઇનલ મેચ દરમિયાન વોટસનને ઘૂંટણમાં ઇજા થઇ હતી. આથી તેનો પગ લોહીથી લથબથ થઇ ગયો હતો. જે રજૂ કરેલી તસવીરમાં સાફ નજરે પડે છે. આમ છતાં વોટસને ટીમ માટે સંઘર્ષ ચાલુ રાખ્યો હતો. ફાઇનલમાં વોટસને પ9 દડામાં 8 ચોકકા અને 4 છકકાની મદદથી 80 રનની લડાયક ઇનિંગ રમી હતી. મેચ પૂરો થયા બાદ તેના ઘૂંટણમાં 6 ટાંકા આવ્યા હતા. આ ખુલાસો હરભજનસિંઘે કર્યોં છે.  ભજ્જીએ ઇંસ્ટાગ્રામ પર વોટસનના ઘાયલ પગવાળી તસવીર શેર કરી છે. સાથે લખ્યું છે કે શું તમને વોટસનના ઘૂંટણમાં લોહી દેખાઇ છે. મેચ પછી 6 ટાંકા આવ્યા. આ ઇજા તેને રન લેતી વખતે ડાઇવ મારતી વખતે થઇ હતી. આમ છતાં તેણે ઇજાની કોઇને ખબર પડવા દીધી નહીં અને બેટિંગ ચાલુ રાખી. અમારા માટે વોટસનની ઇનિંગ જ જીત સમાન છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer