સીમાએ પાકિસ્તાનનો ફફડાટ વધારશે ભારત

સીમાએ પાકિસ્તાનનો ફફડાટ વધારશે ભારત
નવી દિલ્હી, તા. 14 : જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાને પગલે ભારત અને પાકિસ્તાન વચ્ચે ભડકેલો તનાવ ભલે અત્યારે ઉપર ઉપરથી શમી ગયેલો ભાસે પરંતુ ભારત હજુ પણ પોતાના પાડોશી પર ભરોસો કરવાં માગતું નથી. ભારતીય સેનાએ એક મોટો નિર્ણય લઈને કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં તૈનાત પોતાના તમામ એર ડિફેન્સ યુનિટને સરહદની નજીક લઈ જવાની તૈયારી કરી છે. બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાનનાં કેટલાંક વિમાન ભારતીય બાજુમાં ઘૂસી આવ્યા હોવાથી આ કવાયતને તેનો જવાબ માનવામાં આવી રહ્યો છે.
આ નિર્ણય સેનાની એક ઉચ્ચ બેઠક બાદ લેવામાં આવ્યો હતો. જેમાં સેનાના પ્રમુખ બિપિન રાવત સહિતના મોટા અધિકારી મોજૂદ રહ્યા હતા. આ બેઠકમાં સ્થિતિની આંતરિક સમીક્ષા કરવામાં આવી હતી અને તેમાં એવું તારણ મળ્યું હતું કે, જો એર ડિફેન્સ સીસ્ટમ અગ્રીમ સરહદે તૈનાત રાખવામાં આવે તો દુશ્મન દેશની કોઈપણ હવાઈ ગુસ્તાખીનો જવાબ વધુ સજ્જડ આપી શકાશે.
બેઠકમાં એ બાબત સામે આવી હતી કે જો ભવિષ્યમાં બીજી વખત બાલાકોટ બાદ જેવી સ્થિતિ સર્જાય તો તેનો ઉપયોગ થઈ શકે. અત્યારે આ તમામ યુનિટ સરહદથી દૂર છે અને તણાવપૂર્ણ જગ્યાઓ પર મોજૂદ છે.ઉલ્લેખનીય છે કે બાલાકોટમાં જ્યારે ભારતે એર સ્ટ્રાઈક કરી હતી તો તેના બીજા જ દિવસે પાકિસ્તાને પોતાના અનેક યુદ્ધવિમાન ભારતમાં મોકલ્યા હતા. ભારતમાં ઘૂસેલા આ વિમાનોએ સેનાના સ્થાનની નજીક કેટલાક બોમ્બ ફેંક્યા હતા, જો કે તેનાથી કોઈ નુકસાન થયું ન હતું અને ભારતે પણ તેનો જડબાતોડ જવાબ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની આ હરકત બાદ તેના યુદ્ધવિમાનોની પાછળ ભારતનું વિમાન ગયું હતું અને વિંગ કમાન્ડર અભિનંદન પાડોશની સીમામાં ઝડપાઈ ગયા હતા જેને લઈને બંને દેશ વચ્ચે તંગદિલી વધી હતી. જો કે બે દિવસ બાદ અભિનંદન પરત આવી ગયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer