મોરબીમાં કોલ ગેસીફાયરનું પ્રદૂષણ ફેલાવનાર 568 એકમોને 125 કરોડના દંડની દરખાસ્ત

મોરબીમાં કોલ ગેસીફાયરનું પ્રદૂષણ ફેલાવનાર 568 એકમોને 125 કરોડના દંડની દરખાસ્ત
 મોરબી, તા. 14 : દેશનું સિરામિક ટાઈલ્સનું 70 ટકા જ્યાં ઉત્પાદન થાય છે તેવા મોરબીમાં મોટાભાગના સિરામિક એકમો કોલ ગેસીફાયરનો ઉપયોગ કરતા હતા. દરમિયાન થોડા મહિનાઓ પહેલાં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે મોરબીના સિરામિક એકમોને કોલ ગેસીફાયરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મુકી દીધો હતો અને આ મામલે નિવૃત્ત જજની અધ્યક્ષતામાં એક કમિટિને સર્વે કરીને રિપોર્ટ કરવા જણાવ્યું હતું. આ કમિટિએ સર્વે પૂર્ણ કરી લીધો છે અને મોરબીના 9પ2  સિરામિક એકમોમાંથી પ68 એકમો કોલ આધારિત પ્રદૂષણ ફેલાવતા હોવાનું ધ્યાને આવતાં એક એકમ દીઠ વાર્ષિક 18.2પ લાખનો દંડ ફટકારતી દરખાસ્ત કરી છે અને એ હિસાબે પ68 એકમોને 12પ કરોડ રૂપિયા જેટલો માતબર દંડ ચૂકવવો પડશે.
મોરબી સિરામિક એકમોમાં વપરાતા કોલ ગેસીફાયર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે જોકે એનજીટીના પ્રતિબંધ પૂર્વે કોલગેસ વાપરનાર સિરામિક એકમોએ પાણી, હવા અને જમીનનું પ્રદૂષણ ફેલાવ્યું હોય જે અંગે સર્વે કરીને રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં પ્રદૂષણ ફેલાવી ચુકેલા એકમોને વાર્ષિક 18 લાખથી વધુનો દંડ ફટકારવા માટે દરખાસ્ત કરાઈ છે. મોરબીથી વાંકાનેર સુધી ફેલાયેલા સિરામિક ઉદ્યોગમાં અગાઉ 550 થી વધુ એકમો કોલગેસ આધારિત હતા અને કોલગેસમાંથી નીકળતા ટાર વેસ્ટ અને ઝેરી પાણી સહિતનો વેસ્ટ ગમે ત્યાં ફેંકી દેવામાં આવતો હોય જેને પગલે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ દ્વારા તાજેતરમાં કોલગેસ પ્રતિબંધ લગાવી દેવાયો છે જોકે કોલગેસ પ્રતિબંધ પૂર્વે મોરબીના વિવિધ વિસ્તારોમાં અસહ્ય પ્રદૂષણ ફેલાયું હોય જેના સર્વે માટે હાઈકોર્ટના નિવૃત્ત જજ બી. સી. પટેલની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરીને મોરબીના બેલા રોડ, લખધીરપુર રોડ, જાંબુડિયા  ગામ, રફાળેશ્વર તળાવ, માટેલ રોડ, પાનેલી રોડ સહિતના સિરામિક ઝોન વિસ્તારમાં સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં પાણી, હવા અને જમીનનું પ્રદુષણ ઉડીને આંખે વળગ્યું હતું એટલું જ નહિ, પરંતુ પીવાનું પાણી દૂષિત થઇ ચુક્યું હોય જેથી કમિટીના સભ્યો પણ ચોંકી ઉઠ્યા હતા. મોરબીમાં 9પ2 જેટલા સિરામિક ફેક્ટરી પૈકીના 568 યુનિટમાં અગાઉ કોલગેસ વપરાતો હતો તેના કેમિકલયુક્ત દુષિત પાણી, ટાર વેસ્ટ ફેંકવામાં આવતા હતા. આટલું ઓછુ હોય તેમ ટાઈલ્સનો ભંગાર અને અન્ય ભંગાર પણ ગમે ત્યાં ફેકેલો જોવા મળ્યો હતો જેને પગલે કમિટીએ આ મામલે ધગધગતો રીપોર્ટ સુપરત કર્યો છે. જેમાં અગાઉ બેફામ પ્રદૂષણ ફેલાવી ચુકેલા કોલગેસ વપરાશ કરનારાઓ સામે લાલ આંખ કરીને પ્રતિદિનના 5000 રૂ.ના હિસાબે વાર્ષિક 18.25 લાખનો દંડ ફટકારવાની દરખાસ્ત કરવામાં આવી છે. રીપોર્ટ એનજીટી (નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ)ને સોપી દેવામાં આવ્યો છે હવે એનજીટી ટીમ દરખાસ્તને માન્ય રાખે છે કે નહિ તે જોવું રહ્યું અને જો દરખાસ્ત માન્ય રાખવામાં આવશે તો કોલગેસ વાપરનાર 500 થી વધુ એકમોને કરોડો રૂપિયાનો દંડ ચૂકવવો પડશે તે નક્કી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer