દલિત યુવાનને ઘોડી પર બેસાડી કાઠી સમાજ વરઘોડામાં જોડાયો

દલિત યુવાનને ઘોડી પર બેસાડી કાઠી સમાજ વરઘોડામાં જોડાયો
ગારિયાધાર, તા.14: દલિત સમાજ તેના લગ્ન સમારંભમાં સાફો ન  બાંધી શકે ત્યાંથી લઇને વરઘોડો ન કાઢી શકે, વરરાજા ઘોડા પર ન બેસી શકે તે પ્રકારના મુદ્દે રાજ્યમાં અનેક સ્થળે અવારનવાર ઘર્ષણ થયાં છે. સમાજમાં બે જાતિ વચ્ચે વૈમનસ્ય વધારનારી આ ઘટનાઓમાં મોડાસાના ખંભીસરનો તાજો જ દાખલો છે. જ્યાં  પોલીસ પણ ચિત્રમાં આવી છે અને 300ના ટોળાં સામે ફરિયાદ થઇ છે. આવા સમયે ગારીયાધારમાં સમાજને દિશા સૂચન કરતી ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં કાઠી ક્ષત્રિય સમાજે દલિત યુવાનના વરઘોડામાં ઘોડીની વ્યવસ્થા કરી આપી એટલું જ નહી વરઘોડામાં સાથે જોડાઇને અસલ ક્ષાત્રધર્મ બજાવ્યો હતો. સમગ્ર રાજ્યમાં દલીતોના વરઘોડાનો વિરોધ થઇ રહ્યો છે. ત્યારે ગારીયાધાર તાલુકાના વેળાવદર  ગામે કાઠી ક્ષત્રિય સમાજની આગેવાની હેઠળ દલીત સમાજનો વરઘોડો કઢાવી સમાજમાં એક ઉમદા વિચાર અને ભાઇચારીનાં ઉદાહરણ આપવામાં આવ્યું છે.
વેળાવદર ગામે તા.13-4-2019ના રોજ જીજ્ઞેશભાઇ દિનેશભાઇ વણઝારીના લગ્નના દિવસે વેળાવદર ગામના કાઢી સમાજના અનકભાઇ બોરીચા સહિતના આગેવાનો સાથે રહીને આ વરરાજાનો વરઘોડો ગામમાં ફેરવાયો હતો. જેમાં દલીત સમાજના આગેવાન દિનેશભાઇ વણઝારા અને હરજીભાઇ પણ હાજર રહ્યા હતાં.
કાઠી સમાજે વરરાજાને તેની ઘોડી પર બેસાડાયો હતો તેમજ સમગ્ર વરઘોડા દરમિયાન હાજરી આપી હતી. સમગ્ર સમાજમાં તુચ્છ નિતિઓ સામે કાઠી સમાજે ઉમદા વિચાર સાથે ભાઇચારાની ભાવના દેખાડી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer