રેલવે ટ્રેક પર સિંહોના મોત અટકાવવા ફાઇબર બ્રેકસ ટેકનોલોજીનો ઉપયોગ

જૂનાગઢ રેન્જ આઇ.જી.ની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય
ફાઇબર બ્રેકસ ઓપ્ટીકલ ટેકનોલોજીથી ટ્રેનના ચાલકને અગાઉથી જ એલાર્મ દ્વારા મળશે ટ્રેક પર સિંહના આવન જાવન
અંગે માહિતી
જૂનાગઢ, તા.14: જૂનાગઢ રેન્જ આઇ.જી.ની અધ્યક્ષતામાં આજે મોનીટરિંગ કમિટીની બેઠક મળી હતી જેમાં વનતંત્ર, રેલવે સહિતના વિભાગના અધિકારીઓની હાજરીમાં રેલવે ટ્રેક પર સિંહોના મોત અટકાવવા ફાઇબર બ્રેકસ ઓપ્ટીકલ ટેકનોલોજીનો ઉપયોગ કરવા નિર્ણય કરાયો હતો.
જૂનાગઢના રેન્જ આઇ.જી. સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં આજે સિંહના રહેણાંક વિસ્તારમાં અનઅધિકૃત પ્રવૃત્તિ તથા શંકાસ્પદ લોકોની અવર-જવર પર નિયંત્રણ રાખવા મોનીટરિંગ કમિટીની બેઠક મળી હતી. જેમાં મુખ્ય વન સંરક્ષક ડી.ટી.વસાવડા, જૂનાગઢ રેન્જ હેઠળના પોલીસ અધિક્ષક, વીજતંત્રના અધિકારી, રેલવેના અધિકારી તથા ખાણખનિજ, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ હાજર હતાં. આ મિટિંગમાં સિંહના રેલવે ટ્રેક પર આકસ્મિક મોતને નિવારવા માટે રેલવે ટ્રેક પર ફાઇબર બ્રેકસ ઓપ્ટીકલ ટેકનોલોજીનો ઉપયોગ કરવા નિર્ણય કરાયો હતો. આ ટેકનોલોજીથી ટ્રેનના ચાલકને ટ્રેક પર સિંહોની આવન-જાવન અંગે એલાર્મ દ્વારા જાણકારી મળશે. આવી રીતે સિંહોના ટ્રેન હડફેટે મોત નિવારવામાં આવશે. આ ઉપરાંત ચંદનના લાકડાની ચોરી તથા જંગલમાં બનતા અન્ય ગુના રોકવા પોલીસ અને વનતંત્રની સંયુકત ટાસ્ક ફોર્સની રચના કરવા સૂચના આપવામાં આવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer